વિવેચન

लोकानां हृदये भूयात् परेशवृत्तिरुत्तमा ।
वेद्कालोद्भवं बोधं कृते च विश्रुतं हितम् ।।
मोक्षधर्मं दर्शयते मोक्षधर्मप्रवर्तक: ।
सद्‍गुरुवल्लभो्यं नः जयताच्‍च सनातनः ।।

(લોકહૃદયમાં પરમાત્‍મા ભણી ઉત્તમ વૃત્તિ થાય તે માટે વેદકાળના અને સત્‍યયુગના મોક્ષધર્મનું જેઓ દર્શન કરાવે છે તે મોક્ષધર્મ પ્રવર્તક વલ્લભરામ અમારા સદ્‍ગુરુ છે.)

મોક્ષમાર્ગ ધર્મ આ વિષય અતિ મહત્‍વનો છે અને દરેક વાચકવર્ગને આ ધર્મ સબંધી જાણવાની જીજ્ઞાસા હશે તેમ માની આ ધર્મનું આલેખન અહી કરવામાં આવે છે. સદ્‍ગુરુશ્રી વલ્લભરામે પોતાના સનાતન ગુરુ વિશ્વેશ્વર નારાયણની કૃપાથી પુરાતન સત્‍ય ધર્મ શું તે નિષ્‍પક્ષપાત દ્રષ્ટિએ વિચાર્યું તો તેમને ઉત્તમોત્તમ અને પરમ કલ્યાણરૂપ મોક્ષધર્મ જણાયો. આ સંશોધન તેમને પૂર્વજન્‍મોના પૂણ્‍યયોગબળથી પ્રાપ્ત થયેલ હોવાથી તે જ માર્ગે તેઓ ચડ્યા અને ભારતની જનતાને પણ મોક્ષમાર્ગે ચડવાનો આદેશ આપ્‍યો. મોક્ષમાં આત્‍માને પ્રીતિ ઉપજાવે તેનું નામ “મોક્ષમાર્ગ” છે માટે મોક્ષની ઇચ્‍છાવાળા મોક્ષેચ્‍છુ આત્‍માએ મોક્ષ મેળવવા મોક્ષમાર્ગનું પાલન કરી તેને અનુસરવું જોઇએ. દૂધમાંથી સંશોધન કરી કાઢેલા દૂધના ધૃત સમાન તમામ ધર્મનું મૂળતત્વ મોક્ષધર્મ છે. વેદકાળ અને ઉપનિષદકાળમાં જેને અમૃતગમન અથવા બ્રહ્મકર્મ કહેવાતું અને બ્રહ્મદીક્ષા અપાતી હતી, તેને પાછળના કાળમાં અને પુરાણકાળમાં મોક્ષધર્મ યાને મોક્ષમાર્ગ કહીને વર્ણવેલ છે. તેથી મોક્ષેચ્‍છુઓએ પ્રણવમંત્રથી પરમાત્‍મા - પરમેશ્વરનું ઘ્‍યાન કરવું અને જ્ઞાન સહિત સાધના કરવી તેનું જ નામ મોક્ષધર્મ છે. વેદકાળ અને ઉપનિષદકાળમાં જેને “અમૃતગમન અથવા બ્રહ્મકર્મ” કહેવાતું તેને પાછળના કાળમાં અને પુરાણકાળમાં મોક્ષધર્મ યાને મોક્ષમાર્ગ કહીને વર્ણવેલ છે. બ્રહ્મજ્ઞાન વડે ભેદનું હનન કરનાર અને એકલા પરમેશ્વરની પ્રણવ વડે ઉપાસના કરનાર જન્‍મ - મૃત્‍યુનું ઉલ્લંઘન કરીને મોક્ષ પ્રાપ્તિ કરે છે, તે મોક્ષમાર્ગ સમજો. મોક્ષપ્રાપ્તિ માટે આ સિવાયનો બીજો અન્‍ય પંથ કે અન્‍ય સાધન વિદ્યમાન નથી. મોક્ષપ્રાપ્તિ કરાવનાર માત્ર એક મોક્ષમાર્ગ જ સાધન છે તથા તે જ મોક્ષદાતા છે. મોક્ષધર્મના પ્રવર્તક અને અમારા સનાતન સદ્‍ગુરુશ્રી વલ્લભરામના શબ્‍દોમાં “મોક્ષ એ કોઇ ગામ, તળ, શહેર કે દેશ નથી પણ આત્‍માની હૃદય - ગ્રંથીઓને શુઘ્‍ધ નિર્મળ, નિર્દોષ બનાવી પરમ પરમાત્‍મસ્‍વરૂપમાં વિલય કરવો તેનું જ નામ મોક્ષ છે. માટે પરમપદ મોક્ષને માનવજીવનનો પરમ આદર્શ સમજશો અર્થાત મોક્ષેચ્‍છુ થશો તે જ વખતથી તમે મોક્ષધર્મી યા મોક્ષમાર્ગી છો.”

આવા મોક્ષધર્મના મહાન જયોતિર્ધરો અને વિશ્વેશ્વર નારાયણના સંદેશવાહકો જેઓએ ભુલાય ગયેલા મોક્ષધર્મનો ઉદય કર્યો તેવા પરમ વિભૂતિ સદ્‍ગુરુશ્રી વલ્લભરામ અને સદ્‍ગુરુશ્રી રમુજીલાલને અમારા વંદન હો !

ધર્મ

“ધૃ” ધાતુ ઉપરથી ધર્મ શબ્‍દ થયેલો છે. એટલે જે જીવાત્‍માને પાપ માર્ગે જતા રોકે છે, પૂણ્‍ય માર્ગમાં સ્‍થિતિ આપે છે, જ્ઞાન - ઘ્‍યાન - યોગ - પ્રયોગના માર્ગમાં ઊંચે ચઢેલાને નીચે પડવા દેતો નથી અને ધારણ કરી રાખે છે તથા જે સંસારરૂપી નર્કાગારમાંથી કાઢી પરમ શાંતિ આપે છે તેનું નામ “ધર્મ” છે.

“મોક્ષ”શું છે?

“મોક્ષ” એ કોઇ ગામ, તળ, શહેર કે દેશ નથી પણ આત્‍માની હૃદય ગ્રંથિઓને છેદીને તેનો નાશ કરીને માયાથી મલિન થયેલા આત્‍માને શુઘ્‍ધ, નિર્મળ, નિર્દોષ બનાવી પરમ પરમાત્‍મા સ્‍વરૂપમાં વિલય કરવો તેનું જ નામ “મોક્ષ” છે.

મોક્ષધર્મ અને મોક્ષમાર્ગ

ॐकारं बिन्‍दु संयुक्‍तं नित्‍यं घ्‍यायन्‍ति योगिनः ।
कामदं मोक्षदं चैव ॐकाराय नमो नमः ।।
(શિવષડક્ષર સ્ત્રોત મં.૧)

“પ્રણવ ૐકારને, બિન્‍દુ સહિત અર્થાત બિન્‍દુ પરમાત્‍માના મંત્ર સહિત અગર પ્રણવને પરમેશ્વરનો વાચક માની બિન્‍દુ સહિત ૐકાર વડે, જ્ઞાની - યોગી પુરુષો નિત્‍ય ઘ્‍યાન - ઉપાસના કરતા આવ્‍યા છે અને કરે છે. તે પ્રણવ ૐકાર મનોકામનાઓ સિઘ્‍ધ કરનારો અને મોક્ષ આપનારો છે. તેથી જ હું મોક્ષાકાંક્ષી, તે ૐકારને નમન કરું છું.” એમ કહેલું છે. મોક્ષેચ્‍છુ વા મુમુક્ષુઓએ પ્રણવ મંત્રથી પરમેશ્વરનું ઘ્‍યાન કરવું અને જ્ઞાન સહિત સાધના કરવી, તેનું જ નામ મોક્ષધર્મ યા મોક્ષમાર્ગ છે.

સદ્‍ગુરુશ્રી વલ્લભરામે જણાવ્‍યું છે કે “પરમાત્‍માને પામવાનો ટૂંકો માર્ગ મોક્ષધર્મ છે”, તે અતિ પ્રાચીન છે એના આદ્યસ્‍થાપક વિશ્વેશ્વર નારાયણ છે. આ ધર્મ પર હિંદુનો જ હક્ક છે એમ નથી, પણ સમગ્ર માનવ જાતિનો જન્‍મસિઘ્‍ધ હક્ક છે. કેમ કે દરેક મનુષ્‍યને આત્‍મા છે અને દરેકે પોતાના આત્‍માનું કલ્યાણ (મોક્ષ) કરવાનો છે, માટે આ “વિશ્વધર્મ” કહેવાય છે. આ ધર્મના તત્વસાર રૂપે એક જ વલ્લભ સંદેશ છે કે “સ્‍વાત્‍મા, સ્‍વાત્‍મ ચેતના અને પરમાત્‍માને અનુભવો” અર્થાત “સ્‍વને જાણવું એ મોક્ષનું પ્રથમ સોપાન છે” આ મોક્ષધર્મ એક મહાસાગર સમાન છે, અને બીજા અનેક ધર્મો છે તે નદીઓ સમાન છે. અંતે આ બધી નદીઓ નામરૂપનો લય કરીને મહાસાગરને જ મળે છે, માટે આ ધર્મ અત્‍યંત શ્રેષ્ઠ છે. સર્વ ધર્મશાસ્ત્રોના સાર રૂપે એક જ સંદેશ છે કે “જીવનનું તત્વ ધર્મ છે અને ધર્મનું લક્ષ્ય મોક્ષ છે.”

જ્ઞાનયોગી શુકદેવે કહ્યું કે : દૂધમાંથી સંશોધન કરી કાઢેલા દૂધના ધૃત સમાન, તમામ ધર્મનું મૂળતત્વ મોક્ષધર્મ છે. હું કોઇ પણ મતનો નથી. હું અમુક દેવને કે અમુક ઇશ્વરને માનવા અને અમુક દેવ કે ઇશ્વરને ન માનવા એવી ભેદવૃતિનો નથી, તેમજ કોઇ ધર્મનો પક્ષપાતી કે વિરોધી નથી. પરંતુ પ્રભુકુપાથી તથા વેદો, ઉપનિષદોમાંથી મને જે સત્‍યજ્ઞાન પ્રાપ્ત થયું હોય, તે વડે અંધકારમાં રહેવું, સત્‍ય ન સમજવું અને સત્‍યનું સંશોધન ન કરવું, તે પણ એક પાપ છે. માટે પુરાતન સત્‍ય ધર્મ શું છે? તે મેં નિષ્‍પક્ષપાત દ્રષ્ટિએ વિચાર્યું, તો મને ઉત્તમોત્તમ અને પરમ કલ્યાણરૂપ મોક્ષધર્મ જણાયો. આ સંશોધન મારા પૂર્વ જન્‍મના પૂણ્‍ય - યોગબળથી સિઘ્‍ધ થયેલું છે. તેથી હું તે જ માર્ગે ચઢયો છું. આમાં મારો અમુક ધર્મની પ્રશંસા અને અમુક ધર્મની નિંદા કરવાનો કોઇ હેતુ નથી. વેદકાળ અને ઉપનિષદકાળમાં જેને “અમૃતગમન” અથવા “બ્રહ્મકર્મ” કહેવાતું અને “બ્રહ્મદીક્ષા” અપાતી હતી, તેને પાછળના કાળમાં અને પુરાણકાળમાં “મોક્ષધર્મ” યાને “મોક્ષમાર્ગ” કહીને વર્ણવેલ છે.
ભજન
(ઇસ જીવનકે ટેર કરેંગે - એ રાગ)

મોક્ષનો માર્ગ છે અનાદિ, બાકીના સૌ આદિ છે
કોઇ સો, પાંચસો, હજાર, બે હજાર, વર્ષમાં થયેલા આદિ છે. .. મોક્ષનો ટેક.
સત્‍યના અંતથી અંશાવતારો, રામ કૃષ્‍ણ વિગેરે થયા,
થયા પછી તેનાં ઘ્‍યાન ચાલ્‍યાં, વેદમાં કહો ક્યાં યાદી છે ? .. મોક્ષનો. ૧.
રામ, કૃષ્‍ણ, બ્રહ્મા, વિષ્‍ણુ, શંકર, નારાયણ નિમગ્ન તુરીયામાં ,
તે સૌના સત્‍ય યુગના જીવે, કીધાં જપ, તપ, સમાધિ છે. ... મોક્ષનો. ૨.
એક ઇશ્વરનો ધર્મમંત્ર એક, ક્રિયા વિધિ એક હતી,
સ્‍વાર્થી ગુરુઓએ વાડા બાંધી, કળિમાં કરી ઉપાધિ છે. ... મોક્ષનો. ૩.
પરમાત્‍મા મોક્ષ અવિનાશી, તેનો ધર્મ અનાદિ છે,
વલ્લભે સૌ જીવ અધિકારી, જાણી સ્‍નેહથી સાધી છે. ... મોક્ષનો. ૪.

(વલ્લભવિષ્ટી ભાગ-૧ પદ-૧૦૦)

भगवॅन्‍मोक्षमार्गो यस्‍त्‍वया सम्‍यगुदाहृत : ।
तत्राधिकारिणं ब्रूहि तत्र मे संशयो महान् ।।

(શિવગીતા)

અર્થાત : હે શંકર ભગવાન ! આપે ગુહ્યમાં ગુહ્ય એવો ૐકાર સહિત પરમાત્‍માનું ઘ્‍યાન કરવાનો મોક્ષમાર્ગ મને દર્શાવ્‍યો (મોક્ષમાર્ગ અનાદિ હોવાથી જ શિવગીતામાં મોક્ષમાર્ગ કહ્યો છે) પરંતુ તેના અધિકારી કોણ કોણ છે ? તે મને સ્‍પષ્ટપણે કહો કારણ કે તે બાબત મને સંશય ઉત્પન્ન થાય છે. આથી શંકર ભગવાન કહે છે કે : -

एको देवः समायुक्‍तः एको मंत्रो विधिः क्रिया ।
प्रथक् धर्मास्‍तथा वेदा, एकमेकमनुव्रता : ।।


(મહાભારત)

અર્થાત : અસલના સમયમાં મનુષ્‍યો એક જ પરેમશ્વરને જપતા હતા, વિધિ અને ક્રિયા એક જ હતી. પરંતુ ભવિષ્‍યમાં વેદો, ક્રિયા, વિધિ અને દેવો અનેક થશે અને મનુષ્‍ય ફાવે તેમ વર્તનારા થશે, એ ભાવિ ભાંખેલું છે. હાલ પણ આપણે જોઇશું તો એક પરમેશ્વરનો એક જ ધર્મ હોવો જોઇએ તેને બદલે હાલ જેટલા નામ તેટલા દેવ તથા ઇશ્વરોના ધર્મો નિકળ્યા છે અને નિકળે જાય છે. તથા કેટલા નિકળશે તે કહી શકાતું નથી. અત્યારે બ્રાહ્મણો પણ બ્રાહ્મણ સિવાયની વર્ણને માટે વેદોક્‍ત ક્રિયા કરવાનો અધિકાર નથી એમ કહે છે, પણ તેમાં શંકા એ થાય છે કે સત્‍યયુગમાં જે સમયે શાસ્ત્રો કે પુરાણોક્‍ત કે વેદોક્‍ત કેવા પ્રકારની ક્રિયા કરતા હશે ? કેમકે ક્રિયા થાય નહિ તો વેદોક્‍ત ક્રિયા કરતા હશે કે નહિ?

ब्रह्मक्षत्रविशः शुद्रा स्त्रियश्‍चात्राधिकारिणः ।
ब्रह्मचारी गृहस्‍थो वाडनुपनीतोडथवा द्विज़ः ।।


(શિવગીતા)

नानोपाधिवशादेव जाति वर्णाश्रमादयः ।
आत्‍म न्‍यारोपितास्‍तोयरसवर्णादि भेदवत् ।।


(શંકરાચાર્ય કૃતઃ આત્‍મબોધ)

ભાવાર્થ : હે રામ ! મોક્ષમાર્ગનો અને મોક્ષમાર્ગના કર્મો કરવાનો, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્‍ય, શુદ્ર, બ્રહ્મચારી, ગૃહસ્‍થી, સ્ત્રી અને દ્વિજને, જનોઇ વગરનાને પણ અધિકાર છે. અર્થાત મોક્ષપદ પ્રાપ્તાર્થે ૐકાર સહિત પરમાત્‍માનું ઘ્‍યાન ધરવાનો સર્વ આત્‍માનો અધિકાર છે. કેમકે અનેક પ્રકારના માયાવી આક્ષેપોને લઇને જાતિ, વર્ણ, આશ્રમો વિગેરે જુદા - જુદા કહેવાય છે. તથા જેમ પાણીની અંદર પાણીના જુદા - જુદા રંગ તથા ભેદ જણાય છે, પરંતુ પાણી વસ્‍તુતઃ એક જ છે. તે જ પ્રમાણે સર્વના આત્‍મા એક સરખા જ છે અને આત્‍માઓમાં ન્‍યુન્‍યાધિકતા નથી, માટે સર્વ આત્‍મા પોતાના આત્‍માના કલ્યાણાર્થે આત્‍મિક સત્કર્મ કરવા સર્વ પ્રકારે અધિકારી છે. ‘તે સિવાય દૈહિક કર્મોનો અધિકાર નથી’ આથી સ્‍પષ્ટ જણાશે કે વર્ણભેદના તથા જાતિભેદના અહંકારથી ઇતર વર્ણને સત્કર્મ કરતા અટકાવનાર પાપના ભોગી છે, કેમ કે રામ, કૃષ્‍ણ ક્ષત્રિય હતા અને તેઓ વિગેરે “ૐકાર” જપતા હતા અને તેઓ ઘ્‍યાન કરતા હતા, તેના ઘણા પુરાવાઓ પુસ્‍તકોમાં નીકળે છે. રામે કૌશલ્‍યાને તથા કૃષ્‍ણે અર્જુન, ઉઘ્‍ધવ વિગેરેને ૐકારનો બોધ આપેલો અને શુકદેવજીએ પરીક્ષિત વગેરેને ૐકારનો બોધ આપેલો તથા નારાયણે વેદોમાં અને ઋષિમુનીઓએ ઉપનિષદો તથા શાસ્ત્રોમાં ૐકાર વર્ણવ્‍યો છે, તથા શ્રીમદ્ શંકરાચાર્યે પણ ૐકાર જપવા મંડન મિડા પંડિતને બોધ આપેલો છે. શિવજીએ શ્રી રામચંદ્રજી તથા પાર્વતીજીને ૐકારનો બોધ આપેલો છે. તથા વેદો, છંદો, ઉપનિષદો, શ્રુતિઓ, સ્‍મૃતિઓ વિગેરે તમામ ૐકારનો જ જાપ કરવા આજ્ઞા કરે છે. અને કેટલાક જ્ઞાની પુરુષો પણ તેનો સદબોધ સર્વને સમજાવી રહ્યા છે માટે જો ૐકાર જપવાનો સર્વને અધિકાર ન હોત તો આવા મહાન પુરુષો તથા ઇશ્વરો તથા નારાયણ જેવા ૐકારને ગુપ્ત રાખત. પરંતુ ઘણા જૂના વખતથી ફક્‍ત અસુરોથી ગુપ્ત રાખ્‍યો છે, અને તે સિવાયના મનુષ્‍યો તથા દેવોને ૐકાર સહિત પરમાત્‍માને જપવા અધિકાર આપ્‍યો છે.


“મોક્ષધર્મી” યા “મોક્ષમાર્ગી”

“મોક્ષ” એ કોઇ ગામ, તળ, શહેર કે દેશ નથી પણ આત્‍માની હૃદયગ્રંથિઓને છેદીને તેનો નાશ કરીને માયાથી મલિન થયેલા આત્‍માને શુઘ્‍ધ, નિર્મળ, નિર્દોષ બનાવી પરમ પરમાત્‍મા સ્‍વરૂપમાં વિલય કરવો તેનું જ નામ “મોક્ષ” છે. માટે પરમપદ મોક્ષને માનવજીવનનો પરમાદર્શ સમજશો અથાર્ત “મોક્ષેચ્‍છુ” થશો તે જ વખતથી જ તમે “મોક્ષધર્મી” યા “મોક્ષમાર્ગી” છો. જે મોક્ષને મેળવવા સત્કર્મ કરી ( શિક્ષાપત્રી - નિત્‍ય - નિયમ - શ્રઘ્‍ધા - પ્રેમથી કરી ) પરમ પૂજય સદ્‍ગુરુશ્રીના આશીર્વાદે ઉંચે ચઢે તે સાચો “મોક્ષધર્મી” છે. આત્‍મ - કલ્યાણ સાધવા ઉંચે ચઢે નહિં તેને શાસ્ત્રોએ મોક્ષધર્મી કે મોક્ષમાર્ગી માન્‍યા નથી. મોક્ષમાં આત્‍માને પ્રીતિ ઉપજાવે તેનું નામ મોક્ષમાર્ગ છે. માટે મોક્ષની ઇચ્‍છાવાળા મોક્ષેચ્‍છુ આત્‍માઓ, મોક્ષ મેળવવા મોક્ષમાર્ગનું પાલન કરી તેને અનુસરવો જોઇએ.

“મોક્ષધર્મ” : ઉત્‍પતિ સ્‍થાન

ધર્મશાસ્ત્રોનાં પ્રમાણો છે કે અનાદિકાળથી ચાલી આવતો કેવળ એક “મોક્ષધર્મ” જ છે, તે પ્રમાણો નીચે મુજબ છે.

પૂર્વે સકળ વિશ્વનો વિશ્વંભર - નારાયણ સહિત લય થઇ ગયો હતો.

इदं वा अग्रेनैव किंचिदासीत् सदैवसोम्‍येदमग्र आसीत, एकमेवाद्वितीयं ब्रह्म ।।

(શ્રી સામવેદીય છાંદોગ્‍યોનિષત્ર પ્રપાઠક: ૬ ખંડ ૨, મંત્ર ૧)

इदंमेक एवाग्र आसीत् नान्यत् किंचनमिषत् ।।

(શ્રી રૂગ્‍વેદીય ઐતરેયોપનિષત્ર અઘ્‍યાય ૧ મંત્ર ૧)

ત્યારે નારાયણ પરમબ્રહ્મમાં (પરમાત્‍મામાં) વિલય થયેલા હોવાથી એકમાત્ર અદ્વેત પરેશ્વર સિવાય બીજુ કાંઇ ન હતું.

यो ब्रह्माणं विदधाति पूर्वैं यो वै वेदांश्‍च प्रहिणोति ।।

(શ્રી કૃષ્‍ણ યજુર્વેદીય શ્વેતાતરોપનિષત્ર અઘ્‍યાય ૬, મંત્ર ૧૮)

તે અદ્વેતમાંથી નારાયણે ઉત્પન્ન થઇને સમસ્‍ત વિશ્વને પોતાની અંદરથી ઉત્પન્ન કર્યું. સૃષ્ટિની શરુઆત વખતે ૐ એકોડંહં બહુસ્‍યામ કહીને નારાયણે સૃષ્ટિને ઉત્પન્ન કરી તે વખતે પંચમુખી બ્રહ્માને પોતાના નાભિકમળમાંથી ઉત્પન્ન કર્યા અને વેદવક્‍તા નારાયણે પંચમુખી બ્રહ્માને વેદોનું સંપ્રદાન કર્યું. અથાર્ત નારાયણે પંચમુખી બ્રહ્માને તે પરમેશ્વર (મોક્ષનું) જ્ઞાન આપી “અમૃતયોગધર્મ યા મોક્ષધર્મ” નો ઉપદેશ કર્યો છે.

મોક્ષધર્મની પ્રગતિ

પંચમુખી બ્રહ્માએ સ્‍તુતિમાં નારાયણને મોક્ષધર્માનુભાષિતે (મોક્ષ ધર્મનો ભાષણ આપનારા) કહેલા છે. અથાર્ત નારાયણે સર્વને મોક્ષધર્મનો બોધ આપેલો છે, વળી જયારે બ્રહ્માએ સ્‍તુતિ કરી ત્યારે (નારાયણે) હયગ્રીવે બ્રહ્માને કહ્યું કે મેં તમને જણાવેલા “મોક્ષધર્મના પ્રવર્તકોને તમે ઉત્પન્ન કરજો”. મહાભારત શાંતિપર્વ, મોક્ષધર્મ પર્વ, અઘ્‍યાય ૩૪૦, શ્‍લોક ૬૯ થી ૭૪ માં બ્રહ્માજી કહે છે કે મરીચિ, અંગિરા, અત્રિ, પુલસ્‍ત્‍ય, પુલઃ, ક્રતુ અને વશિષ્ઠ એ સાતે ઋષિઓને મે મન વડે નારાયણની આજ્ઞાથી ઉત્પન્ન કર્યા છે. તેઓ વેદવેત્તા, વેદના આચાર્યો અને પ્રવૃત્તિમય “મોક્ષધર્મના પ્રવર્તકો” અને પ્રજા વધારનારા પ્રજાપતિ યાને અધિકારી થશે. તેઓ સનાતન ગુરુ તરીકે જગતમાં પ્રગટ થશે અને પ્રજાવર્ગ કરવામાં સમર્થ એવા અનિરુદ્ર (કોઇથી ન રોકાય તેવા) કહેવાશે. તે જ પ્રમાણે સન, સનત્‍સુજાત, સનક, સનન્‍દન, સનતકુમાર, કપિલ અને સનાતન આ સાતે ઋષિઓ બ્રહ્માના માનસપુત્રો કહેવાયા છે. જેમને બ્રહ્મજ્ઞાન આપોઆપ હૃદયસ્‍ફૂરિત થઇને મળેલું હતું. એવા તેઓ નિવૃતિમય મોક્ષધર્મનો આશ્રય કરશે. તે સાતે ઋષિઓ યોગવેત્તાઓમાં મુખ્‍ય છે. સાંખ્‍ય જ્ઞાનમાં કુશળ છે. ધર્મશાસ્ત્રોના આચાર્ય છે, અને પ્રાચીન “મોક્ષધર્મના પ્રવર્તકો” છે. આ રીતે પ્રાચીન સમયમાં “મોક્ષધર્મ” ચાલતો હોવાથી તેના પ્રવર્તકો હતા. જનક રાજાના ગુરુ યાજ્ઞવલ્‍ક્‍ય, યાજ્ઞવલ્‍ક્‍યના ગુરુ ઉદ્રાલક, તેમના ગુરુ અરુણ, તેમના ગુરુ ઉપવેસી, ઉપવેસીના ગુરુ કૃક્ષિ, તેમના ગુરુ વાજશ્રવસ, તેમના ગુરુ જિહ્વાવત્ બાદયોગ, તેમના ગુરુ સિતવાર્ષગણ, તેમના ગુરુ હરિતકશ્યપ, તેમના ગુરુ શિલ્‍પ, તેમના ગુરુ નૈધુવિ, તેમના ગુરુ વાક્ , તેમના ગુરુ અંભિણિ, તેમના ગુરુ આદિત્‍ય, તેમના ગુરુ મરીચિ, તેમના ગુરુ બ્રહ્મા, વગેરે મોક્ષધર્મના ઘણા પ્રવર્તક પુરુષો હતા.

(યજુર્વેદીય બૃહદારણ્‍યકોપનિષત્ર)

શ્રીમદ્ ભાગવતમાં અતિ પ્રાચીન મોક્ષધર્મ ચાલતો આવ્‍યો છે, તે નારદે વસુદેવને અતિ પ્રાચીન ભાગવત ધર્મ સમજાવતાં જણાવ્‍યુ કે સ્‍વયંભૂ મનુના પુત્ર પ્રિયવૂત્ત, તેમનો પુત્ર આગ્નિધ્ર, તેનો પુત્ર નાભિ અને નાભિનો પુત્ર ઋષભદેવ કહેવાયા છે. ઋષભદેવના સો પુત્રમાં ભરત નામનો સૌથી મોટો પુત્ર પ્રભુભક્‍ત હતો તેના નામ પરથી અજનાભખંડને ભરતખંડ કહેવાયો છે. તે ભરતના પિતા ઋષભદેવજી મોક્ષધર્મના પ્રખર વક્‍તા હતા.

બક્ ઋષિએ मोक्षधर्माश्रिताः शुभा: “મોક્ષધર્મના સારા આશ્રિતો” એવા શબ્‍દો સંબોધનાર્થે વાપરીને મોક્ષધર્મનું વિવેચન કરેલું છે.

ભગવાન રામચંદ્રે ગુરુ વશિષ્ઠજી પાસે જ્ઞાન મેળવ્‍યું. ત્રેતામાં તે જ રામચંદ્રજીએ ભગવાન શંકરને મોક્ષપ્રાપ્તિ માટે પરમોત્‍ક્‍ૃષ્ઠ ૐકાર - પ્રણવની ઉપાસના કરવા કહ્યું છે. શંકર ભગવાને પાર્વતીને અને રામચંદ્રજીને તથા રામચંદ્રે કૌશલ્‍યાને આત્‍મોઘ્‍ધાર માટે મોક્ષમાર્ગ બતાવ્‍યો છે. ગુરુ બૃહસ્‍પતિએ શંકર ભગવાને અને વેદવ્‍યાસે મોક્ષધર્મના આશ્રિત થવાનો શુકદેવને ઉપદેશ આપ્‍યો છે. તેથી શુકદેવજીએ સદ્‍ગુરુ વેદવ્‍યાસને મોક્ષધર્મેષુકુશલો ભગવાન તથા વ્‍યાસો મોક્ષધર્મ વિશારદમ્ મોક્ષધર્માનુભાષિણે કહીને સંબોધેલા છે અને ભીષ્‍મ પિતાએ મોક્ષમાર્ગોપલબ્‍ધયે મોક્ષ ઇચ્‍છનારે મોક્ષ પ્રાપ્ત કરવા માટે મોક્ષમાર્ગને ગ્રહણ કરવા જણાવેલ છે.

પરમ પૂજય સદ્‍ગુરુશ્રી વલ્લભરામે અને પ્રણવાધિવક્‍તા મોક્ષમાર્ગાચાર્ય સદ્‍ગુરુશ્રી રમુજીલાલે મુમુક્ષુઓએ અખંડ સુખની પ્રાપ્તિ - સદા દુઃખની નિવૃત્તિ - મોક્ષ પ્રાપ્તિ માટે મોક્ષધર્મનો ઉદય સ્‍થાપન કળિયુગમાં કરેલ છે.

મોક્ષધર્મના પ્રવર્તકો

नारायणणोडथ ब्रह्मा य ऋषभस्‍तस्‍य चात्‍मजा : ।
वशिष्ठ : शक्‍तिरेवं च पराशरस्‍तथैव च ।।
उदालक: परं भव्‍यो वेदव्‍यास : शुक्‍स्‍तथा ।
गौडपादश्‍च गोविन्‍द : तच्‍छिष्‍य : शंकरस्‍तथा ।।
ततः कबीरो धोळाहवो वल्लभश्‍चात्र शोभनः ।
ततश्‍च वल्लभ व्‍यासो रमूजीलाल एव च ।।
ये च तदायमर्हन्‍ति मोक्षधर्मप्रवर्तका : ।
अन्‍ये च गुरुवः सन्‍ति तान् नुम : प्रेमपूर्वकम् ।।

અર્થાત : નારાયણ, બ્રહ્મા, ઋષભ, તેમના પુત્રો, વશિષ્ઠ, શક્‍તિ, પરાશર, ઉદ્રાલક, ભવ્‍ય એવા વેદવ્‍યાસ, શુક, ગૌડપાદ, ગોવિંદ યોગી, તેમના શિષ્‍ય શંકરાચાર્ય, પછી કબીર, પછી શોભીતા એવા વલ્લભધોળા, પછી વલ્લભ વ્‍યાસ, પછી રમુજીલાલ અને તેમના જ્ઞાન વારસાને માટે જે યોગ્‍ય છે એ મોક્ષધર્મ પ્રવર્તક અન્‍ય ગુરુઓને પ્રેમપૂર્વક “જય પરમાત્‍મા” સહ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ છીએ.