ૐકારેશ્વર મંદિર, વલ્લભવાડી
પરિચય
ૐકારેશ્વર મંદિર
વિશ્વમાં એક અને માત્ર એક
मंगलाचरण
(अनुष्टुप)
निजाश्रितानामृर्त्क्षमाघ्यात्मिकीं समुन्नतिम् ।
अद्वैतं चैव मोक्षग्च सम्प्रापयितुमेव हि ।।
चक्रे प्राचीनपद्धत्या ॐकारेश्वरमन्दिरम् ।
सद्गुरु वल्लभो जेयाद् योगिवय्यॅ: पुनः पुनः ।
“જેમણે પોતાના આશ્રિતોની આઘ્યાત્મિક ઉન્નતિ અને અદ્વૈત મોક્ષ પ્રાપ્તિ કરાવવા માટે પ્રાચીન પઘ્ધિતિએ ૐકારેશ્વર મંદિરની સ્થાપના કરી, તે યોગીવર્ય સદ્ગુરુશ્રી વલ્લભરામનો વારંવાર જય થાઓ”
घ्यान मूलं गुरोमूतिॅ ; पूजामूलं गुरोः पदम् ।
मंत्र मूलं गुरोर्वाक्यं, मोक्षमूलं गुरोः कृपा ।।
न गुरोरधिक्ं तत्त्वं न गुरोरधिक्ं तपः ।
तत्वज्ञानात्परं नास्ति तस्मै श्रीगुरवेनमः ।।
(ગુરુગીતા)
“ઘ્યાનનું મૂળ ગુરુમૂર્તિના દર્શન તથા સદ્ગુરુશ્રીના પાદુકાનું જળપાન કરીને શેષ રહેલું શિરપર ધારણ કરવાથી સર્વ તીર્થોમાં સ્નાન કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. અથાર્ત સદ્ગુરુશ્રી ચરણકમળનું ચર્ણોદકપાન કરવાથી તે સંસારરૂપી સમુદ્રથી તારે છે, જ્ઞાનરૂપી દીવાને પ્રગટાવે છે એવા બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુશ્રીનો બદલો વળાય તેવી વિશ્વભરમાં એક પણ વસ્તુ નથી.”
एको देवः सामयुक्त : एको मंत्रो विधिः क्रिया ।
प्रथक्धर्मास्तथा वेदा, एकमेकमनुव्रता: ।।
(મહાભારત)
પ્રાચીન સમયમાં (સત્યયુગમાં) મનુષ્યો એક જ પરમેશ્વરને જપતા હતા, વિધિ અને ક્રિયા એક જ હતી. મોક્ષપદ પ્રાપ્ત્યાર્થે ૐકાર સહિત પરમાત્માનું ઘ્યાન ધરવાનો સર્વ આત્માઓને અધિકાર છે. તો આવો મુમુક્ષુજનો ૐકારેશ્વર મંદિરના આઘ્યાત્મિક પૂજન - અર્ચન - ઘ્યાન - યોગ - દર્શન કરીને અખંડ સુખની પ્રાપ્તિ અને સદા દુઃખની નિવૃત્તિ લઇને જીવનનું તત્વ ધર્મ છે અને ધર્મનું લક્ષ્ય મોક્ષ છે તે સાર્થક કરીએ.
મંદિર
પ્રણવાધિવક્તા પરમ પૂજય સદ્ગુરુશ્રી રમુજીલાલે ‘મંદિર’ શબ્દની જે વિભાવના શબ્દબ્રહ્મ રૂપે એમના વ્યાખ્યાનોમાં દર્શાવેલ છે તે બ્રહ્મ પ્રસાદીરૂપ શબ્દો આ પ્રમાણે છે “મન ધીર એટલે મનમાં ધીરજ ધર, મન પ્રભુને અર્પણ કરી દે, એટલે તારા મનમાં કોઇપણ જાતનો વિચાર આવે નહિ. પહેલાનાં ઋષિમુનીઓનાં મન પણ મંદિર જેવાં હતા. વળી મંદિરમાં જઇ એકાગ્રવૃતિથી ઘ્યાન કરી શકાય એટલા માટે મંદિર કરેલાં છે. ”
મન - બુઘ્ધિ - ચિત્ત - અહંકાર - આત્મા - આત્મજયોત્તિ ..
પરમજ્યોતિને અર્પણ કરવા માટે મંદિર .. ...
માનવના ચારિત્ર્યને ઘડવા માટે મંદિર ..
સમાજ ઘડતર માટે મંદિર .. ..
સમાજની આંતર - બાહ્ય શુઘ્ધિ માટે મંદિર .. ..
સદાચારની પ્રેરણા માટે મંદિર .. ..
મન - બુઘ્ધિ - ચિત્ત - અહંકારના વિષયોની સ્થિરતા માટે મંદિર ..
નિષ્કામ કર્મ - ભક્તિ - જ્ઞાન યોગ ઘ્યાન માટે મંદિર ..
પરમ સુખ શાંતિ માટે મંદિર .. .. ..
તમને સમરૂં રે (ર) ૐકાર દાદા (ર)
હાંરે તમો મુક્તિ મોક્ષના દાતા રે... હોજી.
કેવળ મૂળ બિન્દુમાં, અવિચળનો વાસો (ર)
હાંરે એ તો જ્ઞાનાકાર વેદે ગાયા રે.. હોજી.
(વલ્લભવિષ્ટી ભાગ-૪ પદ-૬૧)
અક્ષર એક ૐ વિચારો (ર) સફળ થઇ જાય જન્મારો
(વલ્લભવિષ્ટી ભાગ-૪ પદ-૬૬)
બળ્યો - ઝળ્યો એક હુતાત્મા, આવ્યો ગુરુ તુજ દ્વાર,
પાય ક્ંપેને વાન ધ્રૂજે, થાક્યો - પાક્યો આર્યબાળ .. .. બળ્યો ..
ભલે વખાણે, વંદે કે નિંદે, આત્મા રમે પ્રભુ ચરણાંવિઁદે.. ..
કોણ તું, કોનો ? કોણ છે તારા ? શોધી લે પરમપિતા ન્યારા .. ..
સુણજો બાવન થકી ન્યારી, આત્મ પુકારની વાણ,
દર્શન દઇને મરણ સુધારી, શરણ લેજો ભગવાન .. ..
દેજો મને અંત સમે ગુરુ સાન જેથી પામું પદ નિર્વાણ...
(વ્યાસ શુક સંવાદ)
ૐકારેશ્વર મંદિર - નિર્માણ પ્રેરણા
સિઘ્ધ મહાપુરુષ બની ગયા પછી સદ્ગુરુશ્રી વલ્લભરામને મંદિરની સ્થાપ્ના કરવાની આત્મભાવના કઈ રીતે થઇ તેના અનુસંધાનમાં જોતાં જણાય છે કે એમના વેદમ્ વ્યાસના અવતારમાં અનેક પટ્ટશિષ્યો, શિષ્યો તેમજ પ્રશિષ્યો હતા અને તેમણે પોતાના આત્મ કલ્યાણ માટે વ્યાસજીનો આશ્રય લીધો હતો. પરંતુ પરીક્ષિતના આત્માનો મોક્ષ કરાવવા વેદમ્ વ્યાસે ભાગવત પારાયણ સપ્તાહનું આયોજન શુકદેવ મુનિ દ્વારા કર્યું હતું, ત્યારે જ્ઞાનપિપાસુ પટ્ટશિષ્યો માયા મોહિત થઇને સપ્તાહ છોડી ગયા હતા, એટલે વેદમ્ વ્યાસે માયાના બળ સામે રક્ષણ મેળવવા એમના બીજા વલ્લભધોળા અવતારમાં શક્તિની ઉપાસના કરી અને પોતાના અંતિમ ત્રીજા અવતારમાં પોતાના શિષ્યોને માયા સામે રક્ષણ આપવા માતાજી પાસે વરદાન માંગી લીધું. પોતાના ત્રીજા અંતિમ સદ્ગુરુશ્રી વલ્લભરામના અવતારમાં પ્રેરક ગુરુ અક્ષરબ્રહ્મ નારાયણ દ્વારા પ્રણવ ૐકારનું ગુઢ જ્ઞાન મેળવ્યું, મોક્ષ સાધના કરવા માટે દિવ્ય મંત્રો મેળવ્યા, જનસમાજને ‘મોક્ષધર્મ’ નું જ્ઞાન આપી મોક્ષધર્મે વાળ્યા એટલું જ નહિં પણ મુમુક્ષુજનોના આત્મકલ્યાણ અર્થે સ્વપૂણ્ય ટ્રસ્ટ કરી પ્રણવ ૐકારમાં પરકાયા વિષ દ્વારા આરોપિત કર્યું. પ્રથમ વેદમ્ વ્યાસના અવતારમાં હૃદયમાં લાગેલ ખટકો એમની નજર સમક્ષ જ હતો અને પોતાના અંતિમ અવતારમાં જેના દર્શન માત્રથી પોતાના મુમુક્ષુજનોનાં સાંસારિક પ્રશ્નો હળવા થાય અને તેઓ આઘ્યાત્મિક માર્ગે આગળ વધી મોક્ષપદ મેળવે એવા મોક્ષદાતા “ૐકારેશ્વર મંદિર” ના નિર્માણ માટે આત્મસ્થ નિર્ણય કર્યો એજ આપણા સૌ મુમુક્ષુજનોનું અહોભાગ્ય છે.!!!
સદ્ગુરુશ્રી વલ્લભરામને નદી કિનારો અને નીરવ શાન્તિ ગમતાં હતાં તેઓશ્રી પ્રકૃતિપ્રેમી હતા. મણીનગરમાં એઓશ્રીએ ખરીદેલા આંબાવાળા ખેતરમાં પડી ગયેલા મકાનની ટેકરી ઉપરાંત વડની વડવાઇઓ હતી. જેમાં નાગદાદા રહેતા હતા. આ પવિત્ર પાવન ભૂમિમાંથી ગણપતિદાદાની ખંડિત મૂર્તિ પણ નીકળી હતી. તે ટેકરી ઉપર જઇને સદ્ગુરુશ્રી વલ્લભરામ ઘ્યાન - યોગ - સમાધિમાં નિત્યક્રમ પ્રમાણે આસનમાં બેસતા હતા. દ્વાપરયુગમાં આ ભૂમિ પર દધિચી ઋષિનો આશ્રમ હતો એવું સદ્ગુરુશ્રીના શિષ્યોનું માનવું છે.
પોતાના પ્રેરક ગુરુ નારાયણદાદાની પ્રેરણા આજ્ઞાથી સદ્ગુરુશ્રી વલ્લભરામે આ સ્થળે જ ૐકારેશ્વર મંદિરની સ્થાપના (નિર્માણ) કરવાનું નક્ક્ી કર્યું. પ્રથમ નાનું મંદિર તૈયાર કરવામાં આવ્યું અને સંવત ૧૯૫૯ ના ચૈત્ર સુદ પુનમના શુભ દિને ૐકારની મૂર્તિની બ્રાહ્મણો પાસે વૈદિક વિધિ સહિત પૂજા - અર્ચન કરવામાં આવી હતી. આ ૐકારની મૂર્તિ પંચધાતુની ૧૫” ૨૩” ના કદની હતી અને તેના પર સોનાનો ગિલેટ ચઢાવ્યો હતો. મૂર્તિની સ્થાપના વખતે પ્રથમ સિઘ્ધિયંત્ર મૂકવામાં આવ્યો હતો. અને મંદિરના તે ભાગને ચણી લીધો હતો. પછીથી ૐકારની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરાવવામાં આવી હતી. પધારેલા શિષ્યગણ અને શહેરના ધર્મપ્રેમી આત્મજનોને સદ્ગુરુશ્રી વલ્લભરામે જણાવ્યું કે “મોક્ષમાર્ગ એ કાંઇ પંથ કે વાડો નથી અને તેના પર હિંદુઓનો જ હક્ક છે એમ નથી. કોઇપણ જાતના માણસને મોક્ષધર્મ પાળવાનો જન્મસિઘ્ધ હક્ક છે. મોક્ષધર્મ તો અનાદિ વિશ્વધર્મ અને સત્ય સનાતન ધર્મ છે. અને ૐકારનું મંદિર વિશ્વમંદિર છે.”
પ્રથમ મૂર્તિની પ્રાણ - પ્રતિષ્ઠા પછી સંવત ૧૯૬૨ ના ચૈત્ર સુદ પુનમના શુભ દિને પંચધાતુની મૂર્તિને ખસેડી આરસપહાણની ૨૪” પહોળી અને ૩૦” ઉંચાઇની મૂર્તિ બ્રાહ્મણો દ્વારા વૈદિક વિધિ સહિત પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ દિવસે મંદિરે પ્રથમવાર ધર્મધજા ચઢાવવામાં આવી હતી. તે દિવસથી માંડી આજ પર્યંત દર વર્ષે ચૈત્ર સુદ પુનમે ૐકારેશ્વર મંદિરે વિધિ પૂર્વક ધર્મધજા ચઢાવવામાં આવે છે.
“ધર્મધજા ફરકાવો અંતરમાં, ધર્મના જયમાં આત્માનો જય છે.”
શિષ્ય સમુદાયના વધતા જતા ભાવને જોઇ અને ભવિષ્યમાં પણ શિષ્યોના શરણાગત ભાવ અવશ્ય વૃઘ્ધિ પામશે એવું ત્રિકાલજ્ઞાની અને તત્વદર્શી સદ્ગુરુશ્રી વલ્લભરામને યોગસાધના અનુભૂતિ થવાથી તેઓશ્રીએ મંદિર મોટું બનાવવાનું નક્ક્ી કર્યું. સંવત ૧૯૭૮ માં કારતક માસમાં મંદિરનું બાંધકામ મોક્ષમાર્ગી ધર્મબંધુઓએ જ શરૂ કર્યું. સ્થાપના કરેલ બીજી ૐકારની મૂર્તિ પણ નાના કદની જણાતા સદ્ગુરુશ્રી વલ્લભરામે તે મૂર્તિની જગ્યાએ સંવત ૧૯૭૮ ના ચૈત્ર સુદ પુનમના શુભ દિને આરસપહાણની નવી મૂર્તિ ૨૭” પહોળી અને ૪૨” ઉંચાઇના કદની બ્રાહ્મણો પાસે વૈદિક વિધિ કરાવી પ્રાણ - પ્રતિષ્ઠા કરાવી હતી. આ પ્રસંગે શિષ્યો ઉત્સાહ - ઉમંગભેર સદભાગી બન્યા હતા. મૂર્તિની પ્રતિષ્ઠા પછી સદ્ગુરુશ્રી વલ્લભરામે મૂર્તિથી દસ ફૂટ દૂર બેસી આત્મિક ઘ્યાન યોગ દ્વારા મૂર્તિના અલૌકિક દર્શન કર્યા. આ વખતે સદ્ગુરુશ્રી વલ્લભરામના મુખાર્વિંદ પર દિવ્ય તેજ અને હાસ્ય નાચતું અનેક શિષ્યોને દેખાયું. સદ્ગુરુશ્રી વલ્લભરામને સૂક્ષ્મ - તુર્યાતીત ઘ્યાનમાં ૐકારની મૂર્તિ જીવંત દેખાઇ અને તેઓશ્રી દિવ્યાનંદમાં આવી ગયા હતા.
આ પ્રસંગે સદ્ગુરુશ્રી વલ્લભરામે વેદાંતાચાર્ય શ્રી ગિરજાશંકર શાસ્ત્રીને વૈદિક વિધિ માટે બોલાવ્યા હતા. વેદાંતાચાર્ય શ્રી ગિરજાશંકર શાસ્ત્રીના શબ્દોમાં “તમો બધા ભાગ્યશાળી છો, પૂર્વજન્મોના સંસ્કારી છો, તેથી તમોને ક્ષોત્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરુજી મળ્યા છે. આ સત્પુરુષનો ધર્મબોધ જેઓએ સ્વીકાર્યો છે, તે જિંદગીના અંત સુધી પાળજો. ધર્મોપદેશ કદી પણ છોડશો નહિ, કેમકે છેલ્લામાં છેલ્લી કક્ષાનો આ ધર્મ છે. આ ધર્મ પાળવામાં કેટલાક પ્રાચીન પુરુષો પણ પાછળ પડી ગયા હતા, માટે તમો પ્રજ્ઞાબુઘ્ધિનો ઉપયોગ કરજો. આંખ પાંપણને જોઇ શકતી નથી, તેમ અમો પણ આ સત્પુરુષને ઓળખી શક્યા નહિ માટે તમો બધા પ્રેમપૂર્વક “મોક્ષધર્મ” પાળજો.”
સદ્ગુરુશ્રી વલ્લભરામે “ૐકારેશ્વર” ની અલૌકિક મૂર્તિમાં પોતાની “બ્રહ્મશક્તિ” ઉતારી છે. વળી તેમના આઘ્યાત્મિક સુપુત્ર પરમયોગેશ્વર સદ્ગુરુશ્રી રમુજીલાલે પણ પોતાની “જ્ઞાનયોગ શક્તિ” આ મનોહર મૂર્તિમાં અનેકવાર ઉતારી છે. આથી અનેક મુમુક્ષુઓને તે દિવ્યમૂર્તિનાં અનુપમ દર્શન થયાં છે, થાય છે અને થશે. અહીં જણાવતાં આનંદ થાય છે કે દેવો અને ઇશ્વરો પણ આ મંદિરે પધારે છે અને કેટલાક ભાવુક શરણાગત ભક્તોને દેવોને ૐની ધૂન બોલતાં જોવા - સાંભળવાનો – નમસ્કાર કરતાં જોવાના અનુભવો થયાં છે.
પરમ પૂજય આદ્યશક્તિ સ્વરૂપ સુમિત્રા બા કે જેમની મહેચ્છા સદ્ગુરુશ્રી વલ્લભરામ અને પરમયોગેશ્વર સદ્ગુરુશ્રી રમુજીલાલની પ્રતિમાઓ “ૐકારેશ્વર મંદિર” માં ૐકારની મૂર્તિની પાસે જ પ્રતિષ્ઠા કરવાની હતી. તે મુજબ સંવત ૨૦૨૧ ના વૈશાખ - સુદ ૧૩ ના ગુરુવારના શુભ દિને બન્ને મૂર્તિઓને વૈદિક વિધિથી પૂજન અર્ચન કરી “શ્રી ૐકારેશ્વર મંદિર” માં જ પ્રતિષ્ઠા કરવામાં આવી. આ પ્રસંગે “શતચંડી યજ્ઞ” પણ કરવામાં આવ્યો અને હજારો મુમુક્ષુઓ પણ સાક્ષી બન્યા.
“શ્રી ૐકારેશ્વર મંદિર શતાબ્દી મહોત્સવ” સંવત ૨૦૫૮ ચૈત્ર સુદ - ૧૫ થી સવંત ૨૦૫૯ ચૈત્ર સુદ - ૧૫ દરમ્યાન “ૐકારેશ્વર મંદિરે” આનંદ ઉલ્લાસમાં ઉજવવામાં આવ્યો, ત્યારે સંવત ૨૦૫૮ ચૈત્ર સુદ - ૧૫ તા. ૨૭-૪-૨૦૦૨ ના શુભ દિને પરમ પૂજય જયવર્ધન મહારાજશ્રીના વરદ્ હસ્તે “ૐકારેશ્વર મંદિર” ની જીણોદ્ધારની ઉદઘાટન વિધિ વૈદિક પઘ્ધતિ પ્રમાણે બ્રાહ્મણો દ્વારા મુમુક્ષુજનોના આત્મકલ્યાણ હિતાર્થે સંપન્ન થઇ.
સદ્ગુરુશ્રી વલ્લભરામના મોક્ષગમન પછી પણ પોતે પ્રસ્થાપિત ઉદય કરેલો સનાતન “મોક્ષધર્મ” નિરંતર ગતિ - પ્રગતિ - પરમગતિની ક્ષિતિજે ચાલતો, ફાલતો રહે અને એમના ઉપદેશ મુજબ ધર્મ આચરનારા શિષ્યોના જીવન સુખમય પસાર થાય અને અંતે મોક્ષપદ મેળવે એવી પારમાર્થિક ઉદાત્ત ભાવનાથી “ૐકારેશ્વર મંદિર” ની સ્થાપના કરીને એક ઝળહળતી પરમજયોતિનું આરોપણ કરી ગયા છે. જેનો આજનો વિશાળ “મોક્ષધર્મ” પરિવારના મુમુક્ષુજનો આત્મલાભ લઇ રહ્યા છે. આત્મિક સત્કાર્યો કરીને સદ્ગુરુશ્રીની અનન્યકૃપા મેળવી રહ્યા છે, સદાચારી જીવન જીવી રહ્યા છે. અથાર્ત મોક્ષપદ પ્રાપ્ત્યાર્થે પરમ પૂજય સદ્ગુરુશ્રી વલ્લભરામ અને પરમ પૂજય સદ્ગુરુશ્રી રમુજીલાલ મુમુક્ષુજનોને પ્રેરણા - આશીર્વાદ આપીને અંતિમ બોધ કરે છે કે...
“લધુમંત્રની સપ્તાહો કરીને, લક્ષચોરાશીથી ટળજો રે.
મહામંત્રના પ્રયોગો કરીને, આવાગમન દુઃખ હરજો રે”.
(વલ્લભ વિષ્ટિ ભાગ...ર પદ- ૯૮)
ૐકારેશ્વર મંદિરનો ભવ્ય - ભવ્યાતિભવ્ય - દિવ્ય ઇતિહાસ
- ચૈત્ર સુદ - ૧૫, સંવત - ૧૯૫૯: પરમ પૂજય સદ્ગુરુશ્રી વલ્લભરામ સૂર્યરામ વ્યાસજીના વરદ હસ્તે પ્રણવ ૐકારની પંચધાતુની મૂર્તિની સ્થાપના (૧૫” ૨૩”)
- ચૈત્ર સુદ - ૧૫, સંવત - ૧૯૬૨: પરમ પૂજય સદ્ગુરુશ્રી વલ્લભરામ સૂર્યરામ વ્યાસજીના વરદ્ હસ્તે પ્રણવ ૐકારની આરસની મૂર્તિની સ્થાપના (૨૪” ૩૦”) તથા પ્રથમવાર ધર્મધજારોહણ.
- ચૈત્ર સુદ - ૧૫, સંવત - ૧૯૭૮: પરમ પૂજય સદ્ગુરુશ્રી વલ્લભરામ સૂર્યરામ વ્યાસજીના વરદ હસ્તે પ્રણવ ૐકારની મૂર્તિની સ્થાપના (૨૭” ૪૨”) અને બ્રહ્મશક્તિનું સમર્પણ.
- સંવત - ૨૦૧૮: પરમ પૂજય સદ્ગુરુશ્રી રમુજીલાલ વલ્લભરામ વ્યાસજીના વરદ હસ્તે પ્રણવ ૐકારની મનોહર મૂર્તિમાં અનેક યોગ - પ્રયોગ પ્રસંગે બ્રહ્મશક્તિ સમર્પિત કરી હતી.
- વૈશાખ સુદ - ૧૫, સંવત - ૨૦૨૧: પરમ પૂજય સદ્ગુરુશ્રીના આશીર્વાદ કૃપાથી પરમ પૂજય સદ્ગુરુશ્રી વ્યાસજી વલ્લભરામ અને પરમ પૂજય સદ્ગુરુશ્રી વ્યાસજી રમુજીલાલની પ્રતિમા પ્રતિષ્ઠા.
- વૈશાખ સુદ - ૧૫, સંવત - ૨૦૫૮: પરમ પૂજય સદ્ગુરુશ્રીના આશીર્વાદ કૃપાથી “ૐકારેશ્વર મંદિર શતાબ્દી મહોત્સવ” ચૈત્ર સુદ - ૧૫, સંવત ૨૦૫૮ થી ચૈત્ર સુદ - ૧૫, સંવત ૨૦૫૯ જીર્ણોઘ્ધાર થયેલ ૐકારેશ્વર મંદિરની અનાવરણ વિધિ પરમ પૂજયશ્રી જયવર્ધનભાઇ વ્યાસજીના વરદ્હસ્તે.
- ૐકારેશ્વર મંદિરના ઘ્યાનખંડમાં ૐકારેશ્વરની (ૐકારદાદા), પરમ પૂજય સદ્ગુરુશ્રી વ્યાસજી વલ્લભરામ અને પરમ પૂજય સદ્ગુરુશ્રી વ્યાસજી રમુજીલાલની દિવ્ય - અલૌકિક મૂર્તિની અનાવરણ વિધિ પરમ પૂજયશ્રી જયવર્ધનભાઇ વ્યાસજીના વરદ હસ્તે.
સદ્ગુરુ મહિમા ભવન
नौर्भूत्वा प्रणतानां यो ज्ञानशक्ति प्रयच्छति ।
परमेशं च नयते व्यास वल्लभ ते नमः ।।
જેઓ પોતે આત્મનૌકા બની; તેમાં અન્ય આત્માઓને બેસાડી; પોતાની જ્ઞાનયોગશક્તિ અર્પણ કરી પરમાત્મા - પરમેશ્વર સુધી પહોંચાડે છે તેવા સદ્ગુરુશ્રી વ્યાસ વલ્લભરામ તથા સદ્ગુરુશ્રી રમુજીલાલ વ્યાસજીને આપણે માક્ષેચ્છુઓ “પ્રણવાધિવક્તા મોક્ષમાર્ગાચાર્ય સદ્ગુરુશ્રી રમુજીલાલ મોક્ષ સંવત્સરી સુવર્ણ મહોત્સવ” જન્માષ્ટમી પર્વે સદ્ગુરુ મહિમાને મૂર્તિમંત કરતા સદ્ગુરુ મહિમા ભવન, પરમ પૂજય ગુરુદેવ જયવર્ધન મહારાજશ્રી - પરમ પૂજયશ્રી કૃતાર્થભાઇના કરકમલો દ્વારા મુમુક્ષુજનોના અને ૐકારદાદાના સાનિઘ્યમાં મોક્ષધર્મની જયઘોષના બુલંદી નારાના ગુંજનમાં મુમુક્ષુજનોના આત્મશ્રેયાર્થે અર્પણ કરવામાં આવ્યું તે આપણા સૌ મુમુક્ષુજનોની સદ્ગુરુ પ્રત્યેના પ્રેમલક્ષણા ભક્તિના પ્રતિકરૂપ લાગણીના દર્શન કરાવે છે.
આ “સદ્ગુરુ મહિમા ભવન” પરમ પૂજય સદ્ગુરુશ્રી વલ્લભરામ તથા પરમ પૂજય સદ્ગુરુશ્રી રમુજીલાલના મોક્ષધર્મ યાત્રાના અનુભૂતિત - મોક્ષાનુભૂતિત પ્રેરક પ્રસંગોને એનિમેશન દ્વારા આકાર - સાકાર - નિરાકારની ઝાંખી કરાવવામાં આવી છે. આ પ્રેરક પ્રસંગો મુમુક્ષુજનોને આત્મપ્રેય - શ્રેયની ભૂમિકાના જીવંત તાદ્શ અલૌકિક સંભારણા છે.!!!
પધારો પધારો મમ હૃદય મંદિરે, સદ્ગુરુ દેવ પધારો,
તમ દર્શનથી પાવન થઇએ, મનોભાવ સિઘ્ધ થાએ,
અપરાધો સહુ ક્ષમા કરીને (ર) આત્મિક શક્તિ વધારો .. પધારો.
દાસ તમારો તલસી રહ્યો છું, આત્મિક ભાવે મળવા,
સદ્ગુરુ વલ્લભરામ કૃપાથી (ર) મોક્ષ મેળવનારો .. પધારો.
ગુરુનો મહિમા અનંત, અનુપમ સ્હેજેના સમજાયે રે,
કસોટીમાં વ્યાસ પાર પડે તો, સિઘ્ધ પુરુષ થઇ જાયે રે. .. ગુરુનો.
ધર્મ મહોત્સવ
નિયમિત વાર્ષિક ધર્મ મહોત્સવ :
ધર્મધજા આરોહણ પર્વ મહોત્સવ
- ચૈત્ર સુદ – ૧૫ ના દિને ધર્મધજા આરોહણ પર્વ મહોત્સવ વિવિધ કાર્યક્રમોના આયોજન દ્વારા હર્ષ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે.
જન્માષ્ટમી ગુરુ જન્મોત્સવ
- શ્રાવણ વદ-૮, જન્માષ્ટમીના દિને પરમ પૂજય સદ્ગુરુશ્રી વલ્લભરામનો જન્મ દિવસ વિવિધ કાર્યક્રમોના આયોજન દ્વારા હર્ષ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે.
વિશિષ્ટ કાર્યક્રમો :
- યોગ - પ્રયોગ - અનુષ્ઠાન
- ઘ્યાન - યોગ શિબિર
- પ્રણવ ૐકાર જ્ઞાન વિજ્ઞાન શિબિર
- દર પુનમે સત્સંગ
શ્રી વલ્લભવાડી આચાર સંહિતા
- મંદિર સંકુલ પ્રવેશ ગેટ રાત્રે ૧૧-૦૦ થી સવારે ૫-૦૦ વાગ્યા સુધી બંધ રહેશે.
- બહારગામથી આવેલ દર્શનાર્થીઓએ ગેટમેન લેજરમાં પોતાના નામ તથા એડ્રેસ અવશ્ય લખાવવા.
- દરેક દર્શનાર્થીઓએ પોતાના વાહનો શ્રી વલ્લભવાડીના મુખ્યગેટની બહારની સાઇડે વ્યવસ્થિત પાર્ક કરવા.
- ગુરુઘર નિવાસ સ્થાનમાં પરવાનગી સિવાય પ્રવેશ કરવાની સખ્ત મનાઇ છે.
- મંદિરમાં આરતી સમયે મંદિર સંકુલમાં હાજર હોય તે દરેક દર્શનાર્થીએ આરતી - દર્શનનો લાભ લેવા માટે મંદિરમાં અવશ્ય હાજર રહેવું.
- મંદિરમાં આવેલ દર્શનાર્થીએ જમવા તથા રહેવા માટેની વ્યવસ્થા અંગે શ્રી હીરાબા હોલમાં વ્યવસ્થાપકનો સંપર્ક કરવો.
શ્રી ૐકારેશ્વર મંદિર આચાર સંહિતા
- ૐકારેશ્વર મંદિરમાં દર્શનનો સમય સવારે ૬-૦૦ થી ૧૨-૦૦ અને સાંજે ૪-૦૦ થી ૯-૦૦ રહેશે.
- ૐકારેશ્વર મંદિરમાં આરતીનો સમય સવારે ૮-૦૦ કલાકે અને સાંજે ૭-૩૦ કલાકે રહેશે.
- ઘ્યાનખંડનો સમય સવારે ૭-૩૦ થી ૧૨-૦૦ અને સાંજે ૪-૦૦ થી ૯-૦૦ રહેશે.
- મંદિર ગર્ભગૃહના ફોટા પાડવાની સખત મનાઇ છે.
- મંદિર તેમજ મંદિર વિસ્તારમાં સંપૂર્ણ શાંતિ જાળવવી.
- મંદિરની પવિત્રતા જાળવવામાં દરેક દર્શનાર્થીએ ખાસ કાળજી રાખવી.
- મંદિર તેમજ મંદિરના સંકુલ વિસ્તારમાં પાન, બીડી, તમાકુ, ગુટકા જેવા વ્યસન યુક્ત પદાર્થો સાથે પ્રવેશવાની સખત મનાઇ છે.
- મંદિરની આજુબાજુ ગાર્ડન વિસ્તારમાં ગમે ત્યાં કચરો નાંખવો નહિ અને દરેકે સ્વચ્છતા જાળવવી તેમજ ગાર્ડનમાં ખાદ્ય પદાર્થો લઇ જવા નહિં.
- ગાર્ડન વિસ્તારમાં ફૂલ કોઇએ તોડવા નહિ તેમજ ગાર્ડનના છોડને નુકશાન થાય નહિ તે માટે ખાસ કાળજી રાખવી.
- મંદિરના કામકાજ અંગેની વિશેષ માહિતી તેમજ જાણકારી માટે મંદિર દ્વારા અધિકૃત કરેલ વ્યવસ્થાપકશ્રીનો સંપર્ક કરવો.