પરિચય

नौर्भूत्‍वा प्रणतानां यो ज्ञानशक्‍ति प्रयच्‍छति ।
परमेशं च नयते व्‍यास वल्लभ ते नमः ।।

(જેઓ પોતે આત્‍મનૌકા બની; તેમાં અન્‍ય આત્‍માઓને બેસાડી; પોતાની જ્ઞાનયોગશક્‍તિ અર્પણ કરી પરમાત્‍મા - પરમેશ્વર સુધી પહોંચાડે છે તેવા સદ્‍ગુરુ વ્‍યાસ વલ્લભને પ્રણામ હો.)

सदानन्‍दं सारं सकलजनवन्‍धं शिवकरं ।
पदं क्ल्याणानां सदनमपि शान्‍तेः शुभतमम् ।।
वरेण्‍यं माङगल्‍यं विविधपरिपीडाहरमिदं ।
सदैवाहं वन्‍दे गुरुपदमहो मोक्षगतिदम् ।।

(સદા આનંદરૂપ, સાર તત્વસ્‍વરૂપ, સકળજનોથી વંદનીય, શિવકારી, કલ્યાણદાયી, શાન્‍તિના શુભ નિવાશરૂપ, ઉત્‍ક્‍ૃષ્ટ એવં મંગલકારક, અનેક પ્રકારની પરિપીડાઓને હરનાર, મોક્ષગતિ આપનાર સદ્‍ગુરુશ્રી વલ્લભરામના ચરણને અમો હંમેશાં વંદન કરીએ છીએ.)


ભક્‍ત કવિ, ધર્મોપદેશક, ધર્મતત્વચિંતક, ભાષ્‍યકાર, કથાકાર, કિર્તનકાર, યોગમાર્ગના સાધક, મોક્ષમાર્ગ ધર્મના પ્રવર્તક અને આચાર્ય; તેમજ અનેક ભક્‍તો અને ધર્મબંધુઓની મહાન પ્રેરણામૂર્તિ, ઉદારચરિત પરોપકારી મહાવિભૂતિ, પરમાત્‍માની તાત્‍વિક શુઘ્‍ધ પરમગતિનો તારક આત્‍મા; ગુજરાતમાં ઓગણીસમી સદીના કાળમાં જયારે અનેક ધર્મોમાં મતમતાંતરો, વેદોનાં મહાવાક્‍યોના ખોટા અર્થો કરી; અનેક જાતની માન્‍યતાઓવાળા, અંધશ્રઘ્‍ધા ફેલાવનારા; અનેકવિધ પંથોમાં જનતાને ધર્મના અવળા માર્ગે દોરનારા; ધન લુંટનારા પાખંડી, દંભી ધર્મોપદેશકોના વેવલાપણાવાળી ભક્‍તિના વાતાવરણમાં સુતેલા મોક્ષમાર્ગને જગાડવા, અનેકને અખંડસુખની પ્રાપ્તિ અને સદા દુઃખની નિવૃતિ, સત્‍ય સુખની શોધમાં - સાયુજય મુક્‍તિ અપાવવા કળિયુગના મોક્ષધર્મના મહાન જયોતિર્ધર, દેદીપ્‍યમાન તારક અને વિશ્વેશ્વર નારાયણના સંદેશવાહક તરીકે, ધન્‍ય એ શ્રાવણ માસ, ધન્‍ય વદ આઠમ, જન્‍માષ્ટમી, સંવત ૧૯૦૧, મઘ્‍ય રાત્રિએ બાર કલાકે, મંગળમય ગ્રહોમાં; આનંદભર્યા વાતાવરણમાં મંદિરોમાં જયારે કૃષ્‍ણ દર્શન થાય ત્યારે જ પિતાશ્રી સૂર્યરામ અને માતૃશ્રી હરકોરદેવીની કૂખે પૂર્વ જન્‍મમાં મહાવિભૂતિ વેદમ વ્‍યાસ અને વલ્લભધોળાના અવતારો ધારણ કરનાર સદ્‍ગુરુશ્રી વલ્લભરામનો ત્રીજો જન્‍મ (અવતાર) પ્રેમના ધ્રૃવતારક તરીકે ભારતભૂમિ; ગુજરાતની પવિત્ર - પાવનકારી સાબરમતી નદી ઉપર વસેલ કર્ણાવતી (અમદાવાદ) ની ભૂમિ ઉપર થયો. અહોહો ! કેવો યોગાનુયોગ ! જાણે ભારતની જનતા માટે સુખનો સુરજ ઉગ્‍યો ! માતા પિતાએ જોશીને બોલાવીને જન્‍મ કુંડળી (ભવિષ્‍ય) તૈયાર કરાવી. જન્‍મ કુંડળી જોઇને જોશીએ કહ્યું કે

(સાખી)
“જોશ જોઇને જોશી બોલ્‍યા, વલ્લભ ઉઘ્‍ધારક થાશે;
અનેક આત્‍માઓના મોક્ષ કરીને, સમર્થ સદ્‍ગુરુ કહેવાશે”

જીવન
સંતશ્રી વલ્લભરામના પૂર્વજો

સમગ્ર વ્‍યાસ પરિવારમાં મૂળ પુરુષ શ્રી કેશવરામના દિકરા જગજીવનરામ ઉર્ફે જગન્નાથના પુત્ર શંભુભટ્ટને બે દીકરાઓ હતા જેમાં એક માધવભટ્ટ અને બીજા નરસિંહભટ્ટ. તેમાં નરસિંહભટ્ટને ત્રણ દિકરાઓ ; એક્‍નું નામ ગિરધર, બીજાનું નામ દયારામ અને ત્રીજાનું નામ જેશંકર હતું. માધવભટ્ટના ત્રણ દીકરા - જગજીવન, હરજીવન અને નારણભટ્ટ. નારણભટ્ટ અને હરજીવન આ બે સગા ભાઇ, જગજીવન ઓરમાન ભાઇ હતા. આ નારણભટ્ટનાં ત્રણ દીકરાઓ પ્રથમ ઉમિયાશંકર, બીજા મૂળજીરામ અને ત્રીજા સૂર્યરામ હતા. સૂર્યરામના બે દીકરાઓ; વલ્લભરામ અને પરસોતભાઇ અને વલ્લભરામના બે દીકરાઓ નટવરલાલ અને રમુજીલાલ. આ કુટુંબ ગુજરાતના પંચમહાલ જીલ્લાના ચાંપાનેરથી તેમના કેટલાંક સગાંઓ વાસીધારેથી એટલે કે વાડા સિનોરથી અમદાવાદ આવીને વસ્‍યા હતા. આમ તો આ કુટુંબ ‘ત્રવાડી બ્રાહ્મણ’ - આ બ્રાહ્મણો ત્રયંવાય મેવાડા ઉર્ફે ત્રિવેદી મેવાડા કહેવાયા. આ બ્રાહ્મણોના અધિષ્ઠાતા દેવ ભગવાન એકલિંગજી મહાદેવ છે.

સંતશ્રી વલ્લભરામનો ઉછેર

બાળક વલ્લભરામનું સ્‍વરૂપ તેજસ્‍વી, પ્રકાશમય, આનંદમય અને આકર્ષક હોવાથી સ્‍વાભાવિક જ તેમના ઘરના અને બહારના બધા જ પ્રેમથી રમાડતા હતા. આ દિવ્‍ય બાળકને બાળપણથી જ હૃદયમાં ઉદાસીનતા થવા લાગી હતી. અને તેઓશ્રી રમતગમતમાં કદી ભાગ ન લેતા. તેમનું ચિત્ત પ્રભુના ચિંતનમાં જ મગ્ન રહેતું. પિતાજી સાથે પૂજાપાઠમાં જ બેસી રહેતા. શાસ્ત્ર વિધિ પ્રમાણે બાળક વલ્લભરામનો ‘વિદ્યારંભ વિધિ’ તેમના પિતાશ્રીએ કર્યો પરંતુ તેમનું ચિત્ત પ્રભુ પરાયણ હોવાથી લૌક્‍ક્‍િ વિદ્યાની કેળવણીમાં તેમને રસ પડયો નહીં. અને બીજી ચોપડીનો બીજો પાઠ પૂરો કરીને નિશાળ છોડી દીધી, પોતે પૂર્વના વેદમ્ વ્‍યાસ અને વલ્લભધોળાના મહાન સંસ્કારી અવતારો ધારણ કર્યા હોવાથી નારાયણ અને પરમાત્‍માની નિશાળમાં પોતાના તન, મન અને આત્‍માથી બ્રહ્મજીજ્ઞાસા સાથે જોડાયા અને અગિયાર વર્ષની નાની ઉંમરથી જ તેમણે પિતાશ્રીનું કથા કરવાનું કામ પોતાના માથે ઉપાડી લીધું, અને સંસારમાં પ્રવૃત થયા.

વલ્લભરામ હાથની આંગળીએ વીંટી પહેરતા, કોટમાં અછોડો રાખતા, ધોતિયું, બંડી, અંગરખું, ફેંટો, ખભે ખેસ, લાંબો કોટ એ એમનો પોશાક હતો. કોઇવાર શાલ રાખતા, પાઘડી પણ પહેરતા. લખવું હોય ત્યારે એમના માથે બાવા ટોપી હોય, ચોટલી રાખતા, મૂછો રાખતા, દક્ષિણી જોડા પહેરતા, કપાળે તિલક કરતા, કંઠી પહેરતા એમને જોતાં જ સાક્ષાત બૃહસ્‍પતિ - પવિત્ર પુરુષની છાપ પડે.

વલ્લભરામ સૌમ્‍ય - દયાભાવ - લાગણીપ્રધાન - પરોપકારી - પરમાર્થી પુરુષ હતા. તેઓ નાના મોટાને મીઠાશથી ‘ભા’ કહી સંબોધતા. તેમના પુત્ર રમુજીલાલે નાનપણમાં સાયકલ ફેરવવા એક આનો કહ્યા વગર લીધો ત્યારે પોતાના પુત્રે કહ્યા વગર પૈસા લીધા એ બાબત વલ્લભરામે પુત્રને પ્રેમ અને વાત્‍સલ્‍યથી સમજાવી. આમ વલ્લભરામ તેમના આઘ્‍યાત્‍મિક પુત્રને સદાને માટે સત્‍યનો જ આદેશ આપતા.

વલ્લભરામને કદી બીડી કે સિગારેટ પીવાની ટેવ ન હતી. તેઓ ઘરમાં પણ કોઇને પીવા દેતા નહિ. કેમકે બીડી, સિગારેટનાં ઠુંઠા પડે, ભૂલેચૂકે છોકરાઓ મોંમાં ઘાલે અને પીતા શીખે, કુસંસ્કાર પડે. બાળકોને અને મુમુક્ષુઓને તેઓ પ્રેમ - વાત્‍સલ્‍યથી કહેતા કે સૂર્ય, અગ્નિ પવિત્ર અને દિવ્‍ય તત્વ છે અને બીડી, સિગારેટ પીનાર બ્રાહ્મણનો નીચ અવતાર થાય છે. માટે પ્રભુના ભક્‍તોએ આ વ્‍યસનથી દૂર રહેવું જોઇએ.

સંત વલ્લભરામને એકાંત નદી કિનારો અને નીરવ શાન્‍તિ ખૂબ જ ગમતાં હતાં તેઓ દૂધેશ્વરના કિનારે જઇને ક્યાં તો પોતાના આંબાવાળા ખેતર ઉપર ટેકરી ઉપર બેસીને ઘ્‍યાન, સમાધિ નિત્‍ય કરતા હતા. સ્‍વભાવે તેઓ કવિ હૃદયના હતા. તેઓ વિશ્વેશ્વર નારાયણદાદાની કૃપાથી કાવ્‍યો, ભજનો વગેરે પોતાની પરાવાણી વડે રચતા હતા. વલ્લભરામ સામાન્‍ય રીતે સંઘ્‍યાકાળ પૂરો થાય એટલે વાળું (સાંજનું ભોજન) કરીને વહેલાં સૂવાની તૈયારી કરતા.

રાત્રે વહેલા જે સૂએ;
વહેલા ઉઠે વીર ;
બળ - બુઘ્‍ધિ ને ધન વધે;
સુખમાં રહે શરીર... !!!

એમની પથારી નીચે કાગળો અને પેન્‍સિલ મૂકી રાખતા. ઘરમાં હંમેશાં એક કોડિયું બળ્‍યા કરે એ કોડિયું ઝાંખુ ઝાંખુ ટમટમતું હોય અને વલ્લભરામને નારાયણદાદા જગાડે; પેલું કોડિયું પવનની ઝપટમાં ઓલવાઇ જશે કે શું એવો ભય રહ્યા કરે; પણ તે પહેલાં તો વલ્લભરામ ત્રણ - ચાર પદ કાગળમાં લખી લે. પેલા કોડિયાની જયોત અને એમના ગુરુ શ્રી નારાયણદાદાની તથા વલ્લભરામની આત્‍મ જયોત હોલવાયા વગર પ્રકાશ્‍યા જ કરે અને વલ્લભરામ સવાર સુધી પ્રેરક પ્રભુ નારાયણદાદાની આકાશવાણીને નિરંતર લખ્‍યા જ કરે ! લખ્‍યા જ કરે ! એમના ગુરુશ્રી નારાયણદાદા અને એમની આત્‍મ જયોત વચ્‍ચે કેટલી સંલગ્નતા !!!

સદ્‍ગુરુશ્રી વલ્લભરામ ધર્મ, નીતિ, વિવેક અને વ્‍યવહાર અનુસાર જ ન્‍યાય આપતા, મહાબુઘ્‍ધિવાન તથા વ્‍યવહાર કુશળ હતા. તેથી જ તેઓ અમદાવાદમાં ‘વલ્લભરામ સિઘ્‍ધાંતી’ તરીકે જ ઓળખાતા હતા.

સદ્‍ગુરુશ્રી વલ્લભરામ દરેક ધર્મોના સત્‍સંગમાં જતા પરંતુ એમના આત્‍માને આનંદ થતો નહિ. તેઓશ્રી ઉત્તમ રીતે ઘ્‍યાન થાય તે માટે રાત્રે બાર કલાકે શાહીબાગ થઇ સાબરમતીના કાંઠે દૂધેશ્વરના કિનારે જતા ત્‍યાં લગભગ ત્રણ કલાક સુધી ઘ્‍યાનમાં બેસતા. કઠીન હતો એમનો સાધના કાળ ! પૂરેપૂરાં છ વર્ષ, પરમાત્‍માની સતત તપશ્ચર્યા અને ઘ્‍યાનમાં વ્‍યતીત કરીને તેમણે પોતાના શરીરને ભારે ક્‍ષ્ટ પહોંચાડયું હતું. સંવત ૧૯૧૫ ના શ્રાવણ સુદ અગિયારસના દિવસે તેઓ સખત બિમારીમાં પટકાયા. બિમારીમાં પણ તેઓ દરરોજ આત્‍મિક જપ અને બ્રહ્માત્‍મિક ઘ્‍યાન અવિરતપણે કરતા હતા. પરમાત્‍માના અનુભવથી તેમના નેત્રમાંથી અપાર (પુષ્‍ક્‍ળ) પ્રેમની જળગંગા ધારા વહેવા લાગી. બિમારીનો સોળમો દિવસ ખરેખર તેમને માટે અને આપણા સૌ મુમુક્ષુજનોના આત્‍મોઘ્‍ધાર માટે સોનેરી હતો. ઉત્તમ કોટિના અધિકારી શિષ્‍યની અંતિમ ઇચ્‍છા પૂર્ણ કરવાનું વલ્લભરામના દિવ્‍ય ગુરુદેવ વિશ્વેશ્વર નારાયણે આ જ શુભ દિવસે નક્કી રાખ્‍યું. આ શુભ દિવસે બ્રાહ્મમુહુર્તમાં તેઓએ તુર્યાવસ્‍થા પ્રાપ્ત કરી ત્યારે તેઓને વિશ્વેશ્વર નારાયણે ૐકારના બિન્‍દુમાં આવેલા પરમાત્‍મા સહિત આખા ૐકારનો અનુભવ એક પ્રહર સુધી કરાવીને કહ્યું કે ‘આ દુનિયાને બિન્‍દુરૂપ પરમાત્‍માનું જ્ઞાન કરીને જગતને મોક્ષમાર્ગે દોરો. એટલા માટે જ મેં તમને કળિયુગમાં ત્રીજા અવતારમાં મોકલ્યા છે. જોકે પૂર્વ જન્‍મોનું આત્‍મજ્ઞાન, આત્‍મચેતનાજ્ઞાન, પ્રણવજ્ઞાન, યોગજ્ઞાન અને પરમાત્‍માજ્ઞાન વગેરે આપશ્રીના આત્‍માની આત્‍મજયોતિમાં સ્‍વયંસિઘ્‍ધ છે માટે પ્રાચીન સનાતન ધર્મનું યા મોક્ષધર્મનું રક્ષણ કરીને અનેક આત્‍માઓનો ઉઘ્‍ધાર કરો.’

શ્રી વિશ્વેશ્વર નારાયણની આ દિવ્‍ય અનુકંપાનો તેમને એવો તો અનુભવ થયો કે જે લાકડાની પાટ ઉપર તેઓ સુતા હતા તે પાટ પર સતત ૪૪ દિવસ સુધી તેઓ બ્રહ્માવસ્‍થામાં રહ્યા. કડકડતી ઠંડીના દિવસોમાં પાટ નીચે અગ્નિની સગડી રાખવામાં આવી, લાકડાની પાટની વચ્‍ચેનું લાક્‍ડું લગભગ ૬ ઇંચ જેટલું બળી ગયું અને વલ્લભરામના શરીરને ઇજા પણ પહોંચી, પરંતુ તેની જાણ એમને થઇ નહિ. તેઓ તુર્યાવસ્‍થામાં જ હતા. શરીરનું ભાન નહોતું એમનું અર્ધું અંગ લાકડાની પાટ પર અને અર્ધું અંગ નીચે ઝુલતું હતું એનું પણ એમને ભાન નહિ. આ અવસ્‍થામાં પરમાત્‍મા સાથે જે અખંડ આત્‍મ ઐક્‍યતા - તાદાત્‍મયતા અનુભવેલાં તે ૪૫માં દિવસે તેઓની તીવ્ર બ્રહ્મજીજ્ઞાસા પાર પડી. અને તુર્યાવસ્‍થામાં પરમાત્‍માના, પ્રણવ ૐકારના અનુભવો થયા. સાથે સાથે પરબ્રહ્મ નારાયણદાદા સાથે પ્રણવ વિશેના અનેક ખુલાસાઓ થયા. છેવટે નારાયણદાદા એ એમને પદ્યમાં મહાભારત લખવાની આજ્ઞા આપી. આ દિવ્‍ય - ઘ્‍યાન - યોગ - દર્શન લગભગ એક પ્રહર બાદ અદ્રશ્ય થયું. ત્‍યાર પછી ચાર માસ સુધી તેમને નારાયણની અનુભૂતિ આ લાકડાની પાટ પર જ થઇ. પરંતુ તેમનું શરીર કેવળ ભાવસમાધિના મહાઆનંદ અને આઘ્‍યાત્‍મબળથી જ ટકી રહ્યું હતું. તેમના આત્‍મા પર જે માયાનું આચ્‍છાદન હતું તે દૂર થયું તેઓને પૂર્વે બે મહાન અવતારો જેવા કે મહર્ષિ વેદમ્ વ્‍યાસ અને વલ્લભધોળાના અવતારો લીધેલા તેની સ્‍મૃતિની અનુભૂતિ થઇ. આમ, વલ્લભરામને પંદર વર્ષની વયમાં હૈયેને હોઠે જ નહિ પણ લોહીમાં પરમાત્‍મા, નારાયણના અને પ્રણવ ૐકારના દિવ્‍ય અનુભવો સાંપડયા. ધન્‍ય છે આ મહાભાગને, ધન્‍ય છે એઓશ્રીની જ્ઞાતિને અને ધન્‍ય છે એઓશ્રીના કૂળને !

સદ્‍ગુરુશ્રી વલ્લભરામ શ્રી વિશ્વેશ્વર નારાયણદાદાના સાંનિઘ્‍યે દિવ્‍ય દર્શનો અને અનુભવો કર્યા બાદ સંવત ૧૯૧૬ ના માગશર સુદ પાંચમના દિવસે પદ્યમાં ‘મહાભારત’ લખવાની શરુઆત જે લાકડાની પાટ ઉપર બ્રહ્મજ્ઞાન, પ્રણવજ્ઞાનની સ્‍મૃતિ થઇ હતી તેના પર બેસીને જ સદ્‍ગુરુશ્રી વલ્લભરામે કરી હતી. આ ગ્રંથ ગુજરાતી ભાષામાં વિશાળ ભાવસંયુક્‍ત મહાભારતની રાગરાગિણીથી ભરપુર અઢાર પર્વમાં શૈલીની સુંદરતા, ભાવોની ઉદારતા જાળવીને પદ્યમાં અને પાછળથી ગદ્યમાં રચના કરી હતી. આ અજોડ ગ્રંથ સંવત ૧૯૧૯ ના પોષ સુદ ત્રીજના દિવસે ત્રણ વર્ષે પૂર્ણ કર્યો. માત્ર સોળથી માંડી ઓગણીસ વર્ષની ઉંમરમાં જ ‘મહાભારત’ જેવો અલૌકિક ગ્રંથ નિર્માણ કર્યો એ જ એક મોટો ચમત્‍કર છે ! આ અલૌકિક વિદ્યાના સાગરને સાક્ષાત્ર બૃહસ્‍પતિ માનીએ તો પણ શું ખોટું છે?

સંત, કથાકાર અને ઉપદેશક

સંત વલ્લભરામના પિતાશ્રી સૂર્યરામનો વ્‍યવસાય કથાકારનો હતો. તેઓ મહાભારતની કથા કરતા અને આખા ગુજરાતમાં ‘માણભટ્ટ’ તરીકે જાણીતા હતા. પરંતુ તેમની આર્થિક સ્‍થિતિ સારી ન હતી. સાદુ ગૃહસ્‍થી જીવન જીવતા. ગુજરાતના કથાકારોનો એ કાળ તેમના ઉર્ત્‍ક્‍ષ અને આબાદીનો ન હતો. તેમ છતાં સ્‍વાભાવિક રીતે જ વલ્લભરામે પોતાના પિતાનો વ્‍યવસાય સ્‍વીકાર્યો.

શ્રી વલ્લભરામનો ભાગ્‍યોદય થવાનો સમય થયો. એમના પિતાશ્રીની તબિયત બગડી. પિતાશ્રીએ વલ્લભરામને ‘આજે કથા બંધ રહેશે’ એવો સંદેશો શ્રોતાઓને આપવા કહ્યો. પણ સંતશ્રી વલ્લભરામે પિતાશ્રીનો સંદેશો શ્રોતાઓને ન આપતાં પોતે જ મહાભારતની કથા તેમની આગવી પરા શૈલીમાં દ્રૌપદીના વસ્ત્રાહરણનો પ્રસંગ ગાગરના તાલે રાગરાગિણીમાં વર્ણવ્‍યો. આ પ્રથમ પ્રસંગમાં જ તેમને અપૂર્વ સફળતા મળી. શ્રોતાજનોએ વલ્લભરામની કથાના મુક્‍ત કંઠે વખાણ કર્યા અને વલ્લભરામે જ રસમય કથા બીજે દિવસે પણ આગળ ચલાવી. ત્યારે પિતાશ્રી સૂર્યરામ ભારે પ્રભાવિત થયા અને આખી કથા વલ્લભરામ પાસે જ પૂરી કરાવી. લોકોને સંતશ્રી વલ્લભરામ ગમી ગયા અને આ નાનકડા વલ્લભરામને તે દિવસથી ‘કથાકાર’ તરીકે મોટી પ્રતિષ્ઠા મળી. સંતશ્રી વલ્લભરામે ભારતનાં ઘણાં સ્‍થળોએ મહાભારતની કથા કરી હતી. કથાનો આરંભ ભરૂચ ગામથી થયો હતો. વલ્લભરામે ૧૮ વર્ષની ઉંમરથી કથા કરવાનું શરૂ કર્યું હતું. તેનો અંત ૨૩ વર્ષ પછી ૪૧ વર્ષની ઉંમરે આવ્‍યો. તેઓ નીડર અને સ્‍પષ્ટ વક્‍તા હતા. તેઓ અંધ ધર્માસ્‍તિકોના ધર્મને નામે ચાલતા ધતિંગો પ્રકાશમાં લાવતા હતા. ઇર્ષાળુઓએ તેમને મારી નાંખવા કાવતરું પણ રચ્‍યું હતું. એક દુષ્ટ માણસે પ્રસાદ માટે એક માટીનો ઘડો કે જેમાં કાળો નાગ હતો તે તેમની સમક્ષ મૂક્‍યો. પણ કાળા નાગે ફેણ ચઢાવીને તેમના હાથ ઉપર છાયા કરી. તે સમયે તેમણે કહ્યું કે, ‘જે કોઇને મારતો નથી એને કોઇ મારી શક્‍તું નથી’ , ‘કોઇનો માર્યો હું નહિ મરું રે…’ પ્રણવ ૐકારની અર્ધમાત્રામાં આવેલા વિશ્વેશ્વર નારાયણદાદાને જેની પાસે મોક્ષધર્મનું કામ કરાવવું છે તેને મારનાર આ વિશ્વમાં કોણ હોઇ શકે ? સંત કબીરના શબ્‍દોમાં ...

(દોહરો)
જિતને તારે ગગનમેં, ઉતને (લોક) શત્રુ હોય;
કૃપા હોય શ્રી રામકી (તો) બાલ ન બાંકો હોય.

સંતશ્રી વલ્લભરામના ભજનો - કથા - પ્રવચનોનો પ્રવાહ ઉત્તર ગુજરાત, મઘ્‍ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વહેતો રહ્યો છે. અને નિરંતર વહેતો રહેશે જ. માંસાહારીઓને અહિંસા પરમોધર્મઃ અને આચાર : પરમોધર્મ : નો બોધ આપી માંસાહાર અને દારૂતાડીની કૂટેવમાંથી મુક્‍ત કરાવ્‍યા. તે પ્રતાપ છે કેવળ સંત વલ્લભરામનો ! વલ્લભરામનો પ્રભુ પ્રેમ, વૈરાગ્‍ય અને સંયમવાળી વાણી પ્રસંશનીય છે. લોક હૃદયમાં એનો જ પ્રભાવ પડયો છે તે ચિરસ્‍થાયી રહેશે.

મોક્ષધર્મ ઉપદેશ

સંતશ્રી વલ્લભરામ એક નિષ્‍ણાત - પ્રસિઘ્‍ધ કથાકારના સ્‍વરૂપમાં સત્‍સંગ કરવા ગુજરાતના ગામેગામ જાય ત્યારે તેઓ ભરુચ શહેરમાં કથા કરવા ગયા હોય છે ત્‍યાં પ્રભુપ્રેમી શ્રી નરોત્તમભાઇ બહેચરભાઇ ભગત એમના અનન્‍ય શરણાગત ભક્‍ત બની રહે છે, અને ધર્મદીક્ષા માંગે છે; મંત્રોપદેશની વિનંતી કરે છે, ત્યારે સદ્‍ગુરુશ્રી વલ્લભરામ નર્મદા નદીના કિનારે રેતી ઉપર પ્રણવ ૐકાર ચીતરીને શ્રી નરોત્તમભાઇને સમજાવે છે ત્યારે ફરીથી તેઓ ધર્મદીક્ષાની આજીજી કરે છે; શ્રી નરોત્તમદાસનું નમ્ર વચન સાંભળી દયાના મહાસાગર એવા વલ્લભરામે ઘણા સ્‍નેહથી લોઢાનું પારસ બને એવો પરમાત્‍માનો ઉપદેશ સંવત ૧૯૩૭માં અડધો ‘લઘુમંત્ર’ આપીને આપ્‍યો. ત્‍યારબાદ સંવત ૧૯૩૮ના ફાગણ વદ સાતમને દિવસે સંતશ્રી વલ્લભરામે શ્રી નરોત્તમભાઇ ભગતને ‘લઘુમંત્ર’ , ‘મહામંત્ર’ નો ઉપદેશ ભરુચ મુકામે કૃત્રિકા નક્ષત્રમાં આપ્‍યો અને આજ શુભ દિવસથી ‘મોક્ષમંડળ’ સ્‍થાપનાના શ્રી ગણેશ થયા. તે આજે વટવૃક્ષ હેઠળ આપણે સૌ મુમુક્ષુજનો વિસામો લઇને શ્રી ૐકારેશ્વર મંદિરના દર્શન કરીને અખંડ સુખની પ્રાપ્તિ અને સદા દુઃખની નિવૃતિ લઇએ છીએ.

ૐકારેશ્વર મંદિરની સ્‍થાપના

સદ્‍ગુરુ વલ્લભરામે પોતાના ધર્મબંધુઓની આઘ્‍યાત્‍મિક ઉન્નતિ અને અખંડ સુખની પ્રાપ્તિ અને સદા દુઃખની નિવૃત્તિ અદ્વૈત મોક્ષપદની પ્રાપ્તિ કરાવવા માટે પ્રાચીન વૈદિક પઘ્‍ધતિએ ૐકારેશ્વર મંદિરની સ્‍થાપના, મણીનગરમાં રામબાગ, અમદાવાદ, વલ્લભવાડી નામે ઓળખાતી જગ્‍યાએ સૌ પ્રથમ નાનું મંદિર - સંવત ૧૯૫૯ ના ચૈત્ર સુદ પૂનમના દિવસે ૐકારની મૂર્તિની બ્રાહ્મણો પાસે વૈદિક વિધિ સહિત પૂજા કરાવવામાં આવી હતી. આ ૐકારની મૂર્તિ પંચધાતુની ૧૫” ૨૩” કદની હતી. અને તેના પર સોનાનો ગિલેટ ચઢાવ્‍યો હતો. મૂર્તિના પાછળના ભાગમાં પ્રથમ સિઘ્‍ધિયંત્ર મૂકવામાં આવ્‍યુ હતું. સંતશ્રી વલ્લભરામે આ મૂર્તિમાં પોતાની બ્રહ્મશક્‍તિ પણ ઉતારી હતી. મંદિર પ્રતિષ્ઠાનો મહોત્‍સવ અતિશય ધામધૂમ પૂર્વક ઊજવાયો. આ પ્રતિષ્ઠા મહોત્‍સવ પ્રસંગે સંતશ્રી વલ્લભરામે મુમુક્ષુઓને જણાવ્‍યું હતું કે “મોક્ષમાર્ગ એ કાંઇ પંથ યા વાડો નથી, અને તેના પર હિંદુઓનો જ હક્ક છે એમ પણ નથી. કોઇ પણ જાતના માણસને મોક્ષધર્મ પાળવાનો જન્‍મસિઘ્‍ધ હક્ક છે. મોક્ષધર્મ તો અનાદિ વિશ્વધર્મ અને સત્‍ય સનાતન ધર્મ છે અને ૐકારનું મંદિર તે વિશ્વ મંદિર છે. તમો દેહ કરતાં આત્‍મા તરફ દ્રષ્ટિ રાખો. દરેક મનુષ્‍યના આત્‍માના આત્‍મહૃદયમાં રહેલી આત્‍મજયોતિના દિવ્‍ય પિતા પરમ જયોતિ પરમાત્‍મા પોતે છે. માટે દરેક આત્‍મા પરમાત્‍માનો અમૃત પુત્ર સમાન હોવાને લીધે તેને તેના દિવ્‍ય પિતા પરમેશ્વરને મેળવવાનો જ જન્‍મસિઘ્‍ધ હક્ક છે.”

સંવત ૧૯૬૨ ના ચૈત્ર સુદ પુનમના દિવસે પંચધાતુની મૂર્તિને ખસેડી આરસપહાણની મૂર્તિ ૨૪” પહોળી ૩૦” ઊંચાઇની બ્રાહ્મણો પાસે વૈદિક વિધિ સહિત પધરાવવામાં આવી હતી. આ દિવસે મંદિરે પ્રથમ વાર ધર્મધજા ચઢાવવામાં આવી હતી. તે દિવસથી આજ પર્યંત સુધી દર વર્ષે ચૈત્ર સુદ પુનમે નિયમિત રીતે મંદિરે વિધિપૂર્વક ધર્મધજા ચઢાવવામાં આવે છે.

“ધર્મધજા ફરકાવો અંતરમાં ધર્મના જયમાં આત્‍માનો જય છે...”

શિષ્યોની વધતી જતી સંખ્‍યા જોઇ ભવિષ્‍યમાં પણ શિષ્યોની સંખ્‍યા અવશ્‍ય વધશે જ એવું ત્રિકાલજ્ઞાની અને તત્વદર્શી વલ્લભરામને જણાયાથી તેઓશ્રીએ મંદિર મોટું બનાવવાનું નક્‍ક્‍ી કર્યું. સંવત ૧૯૭૮ ના કારતક માસમાં મંદિરનું બાંધકામ મોક્ષમાર્ગી ભાઇઓએ શરૂ કર્યું અને સંવત ૧૯૭૮ ના ચૈત્ર સુદ પૂનમના દિવસે આરસ પહાણની નવી મૂર્તિ ૨૭” પહોળી ૪૨” ઊંચાઇના કદની બ્રાહ્મણો પાસે વૈદિક વિધિ સહિત પધરાવવામાં આવી હતી. મૂર્તિની વિધિ કર્યા બાદ સંતશ્રી વલ્લભરામે મૂર્તિથી દશ ફૂટ દૂર બેસી આત્‍મિક ઘ્‍યાન કર્યું હતું. આ વખતે સદ્‍ગુરુશ્રીના મુખારવિંદ પર દિવ્‍ય તેજ અને હાસ્‍ય નાચતું અનેક શિષ્યોને દેખાયું.

સંતશ્રી વલ્લભરામ તથા પ્રણવાધિવક્‍તા સદ્‍ગુરુશ્રી રમુજીલાલે પોતાની બ્રહ્મશક્‍તિ - જ્ઞાનયોગ શક્‍તિ આ મનોહર મૂર્તિમાં અનેકવાર ઉતારી છે. અનેક મુમુક્ષુઓને આ દિવ્‍ય મૂર્તિનાં દર્શન થયાં છે, થાય છે અને થશે. અહીં દેવો - ઇશ્વરો પણ નમસ્કાર કરવા આવે છે.

“બળ્‍યો ઝળ્‍યો એક હુતાત્‍મા આવ્‍યો ગુરુ તુજ દ્વાર ...”

પરમ પૂજય શક્‍તિ સ્‍વરૂપ સુમિત્રા બાએ સદ્‍ગુરુશ્રી વલ્લભરામ - સદ્‍ગુરુશ્રી રમુજીલાલની મૂર્તિઓ સંવત ૨૦૨૧ ના વૈશાખ સુદ ૧૩ ના ગુરુવારના શુભ દિવસે વૈદિક વિધિથી પુજા કરી શ્રી ૐકારેશ્વર મંદિરમાં પધરાવવામાં આવી હતી. આ પ્રસંગે શતચંડી યજ્ઞ કરવામાં આવ્‍યો હતો. આવું મહાન કાર્ય પાર પડયાથી પરમ પૂજય બા નું હૃદય આનંદથી ઉભરાઇ ઊઠયું હતું.

પ્રેરક પ્રસંગો

પ્રણવ ૐકારની ત્રિપુટીનો આદેશ - સંવત ૧૯૨૦ ના માગશર સુદ ૧૧ ના દિવસે ઇશ્વરી અવતાર શ્રી કૃષ્‍ણપ્રભુએ પૂજય વલ્લભરામને પ્રણવ ૐકારની ત્રિપુટીનો ભગવદ્ જ્ઞાન - વિજ્ઞાન - પ્રણવજ્ઞાનનો ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા (મોક્ષમાર્ગી)’ માં કરવા આદેશ આપ્‍યો.


સંતશ્રી વલ્લભરામના શિષ્‍ય શ્રી પુરણદાસ પૈસાની જરૂરિયાત જણાય ત્યારે રાજમહેલમાંથી પૈસાથી ભરેલો થાળ આવ્‍યો તે ઉદારતાથી સંતશ્રી વલ્લભરામે શ્રી પુરણદાસને અર્પિત કર્યો. ત્યારે શ્રી પુરણદાસે સદ્‍ગુરુશ્રી વલ્લભરામને કહ્યું કે, ‘મારે અર્થ નહિ, ધર્મ જોઇએ; મને તમારી માફક ધર્મમાં ઓતપ્રોત કરી દો.’
સંતશ્રી વલ્લભરામના પુત્ર શ્રી નટવરલાલના મૃત્‍યુનો આઘાત સહન ન થતાં સદ્‍ગુરુશ્રી વલ્લભરામ ગિરનાર પર્વત ઉપર ચાલ્‍યા ગયા હતા અને ત્‍યાં ૧૧ માસનો ‘મહાપ્રયોગ’ કર્યો હતો. ખરેખર! ઇશ્વરની ઉપાસનામાં જ તેમની શાન્‍તિ સમાયેલી હતી.
સદ્‍ગુરુશ્રી વલ્લભરામે જીવનમાં સદા સત્‍સંગ કરવા માટે શિષ્યોને આદેશ આપ્‍યો હતો.

સત્‍સંગ સર્વથી મોટો, સંસારમાં સત્‍સંગ સર્વથી મોટો...
શાંતિ સદા આપે તેવો શ્રેષ્ઠ સત્‍સંગ છે ...
ઘ્‍યાન, ધારણા, સમાધિથી શ્રેષ્ઠ સત્‍સંગ છે ...
પ્રભુ તન્‍મય બનાવે; વલ્લભ તે સત્‍સંગ છે ...

સંસારમાં મનુષ્‍યનાં જીવનમાં શ્રેષ્ઠ વસ્‍તુ સંત સમાગમ છે. આવો દરેક મનુષ્‍યોને ઉપદેશ આપી ઘરે ઘરે જ્ઞાનના દીપક પ્રગટાવવા સદ્‍ગુરુશ્રી વલ્લભરામે પ્રેમપૂર્વક જણાવ્‍યું હતું. સદ્‍ગુરુશ્રી વલ્લભરામ કોઇક વખત જયાં સંત સમાગમ (મંડળ) ચાલતો હોય ત્‍યાં અચાનક કોઇને જણાવ્‍યા સિવાય આવી બહાર ઓટલા ઉપર બેસીને સત્‍સંગ સાંભળતા. એક વખત નવસારીમાં કલ્યાણભાઇને ત્‍યાં સંત સમાગમમાંથી ઉઠીને કલ્યાણભાઇ બહાર આવ્‍યા તો સદ્‍ગુરુશ્રી વલ્લભરામને ઓટલા ઉપર બેઠેલા જોયા. આવા મહાપુરુષો પોતાના શિષ્યો ધર્મ માટે શું કરી રહ્યા છે!! માટે આવા ‘માતારૂપી સદ્‍ગુરુશ્રીનું’ જીવન ચરિત્ર શિષ્યોએ જીવનમાં આચરણમાં મૂકવું રહ્યું.
અંબા માતાના મંદિરે બકરાં, પાડાં, મરઘાંનો વધ બંધ કરાવવા અંબામાતાએ સંવત ૧૯૭૮ ના માગસર સુદ ત્રીજના દિવસે સદ્‍ગુરુશ્રી વલ્લભરામને એક રાત્રે દર્શન આપ્‍યા. સદ્‍ગુરુશ્રી વલ્લભરામ દાતા નરેશ ભવાની સિંહજીને મળ્‍યા. દાતા નરેશે સદ્‍ગુરુશ્રી વલ્લભરામને કહ્યું કે ‘માતાજી મને વધ બંધ કરવા ફરમાન કરે તો કરું’ ત્યારે સદ્‍ગુરુશ્રી વલ્લભરામે દાતા નરેશને અમદાવાદ બોલાવ્‍યા. જે બંગલામાં નરેશનો ઉતારો હતો ત્‍યાં રાત્રે માતાજી દાતા નરેશ આગળ પ્રગટ થયા અને કહ્યું કે ‘હે નરેશ ! તુ વધ બંધ કર. મને હિંસા રુચતી નથી. હું તો દૂધ સાકરનું સેવન કરનારી દેવી છું. તને વધ બંધ કરવાનું કહેનાર વ્‍યાસજી સામાન્‍ય વ્‍યક્‍તિ નથી, પણ તેનો વેદમવ્‍યાસનો પ્રથમ અવતાર, વલ્લભધોળા બીજો અવતાર અને ત્રીજો અવતાર વલ્લભરામનો છે, મેં તમને પ્રત્‍યક્ષ દર્શન આપી થતો વધ બંધ કરવા આદેશ આપેલ છે. તું અને તારાં ધન, ધામ, પુત્ર, પુત્રાદિ સર્વનો નાશ થતો બચાવી લે, નહિ તો અધર્મે અકલ્યાણ થશે.’ દાતા નરેશે ત્‍યારથી વધ બંધ કરાવ્‍યો.
અમદાવાદમાં ભદ્રકાળી માતાના મંદિરે થતો બકરાનો વધ માતાજીએ સ્‍વપ્નમાં આપેલ દર્શનના આધારે બંધ કરાવ્‍યો.
શ્રી વિષ્‍ણુ, શિવ - શક્‍તિની અવળી ભક્‍તિ અટકાવવા સંવત ૧૯૬૭ ના વૈશાખ સુદ ત્રીજની રાત્રે સદ્‍ગુરુશ્રી વલ્લભરામને તેજસ્‍વી શ્વેત દિવ્‍ય મૂર્તિમંત સ્‍વરૂપે શ્રી વિષ્‍ણુ, શિવ - શક્‍તિએ દર્શન આપીને કળિયુગમાં એમની થતી અવળી - વેવલા ભક્‍તિ અટકાવવા આશીર્વાદ આપી આદેશ આપ્‍યો.
દ્વારકાપીઠના જગતગુરૂ માઘ્‍વાતીર્થને પોતે જગતગુરૂ હોવાનો કરેલો દાવો સંતશ્રી વલ્લભરામે સંવાદની ભૂમિકા બાંધીને જગતના અને વિશ્વના દિવ્‍ય ગુરુ કેવળ વિશ્વેશ્વર નારાયણ છે એમ કહીને શ્રી માઘ્‍વાતીર્થને સત્‍યજ્ઞાન આપ્‍યું. માઘ્‍વાતીર્થ મહાન જ્ઞાની - યોગી હતા એમણે સંતશ્રી વલ્લભરામને વ્‍યાસજીના અવતારમાં સમાધિ દ્વારા ઓળખી લીધા. અને સંતશ્રી વલલભરામના શિષ્‍ય બની પ્રણવ ૐકારનું તત્વ - યોગ - બ્રહ્મજ્ઞાનના વિદિત થયા.
વલવાડા ગામના કણબી સુખાભાઇ પટેલને ‘મહાભારત’ ના કર્તા સંતશ્રી વલ્લભરામના દર્શન - સદ્‍ગુરુશ્રી વલ્લભરામે એમને સ્‍વપ્નમાં આવીને જણાવ્‍યું કે ‘હું તમારા ગામ પાસેથી યાત્રાએ જઇ રહ્યો છું તમારી દર્શન કરવાની ઇચ્‍છા હોય તો રસ્‍તામાં મળજો.’ ખરેખર! સદ્‍ગુરુશ્રી વલ્લભરામે એમને દર્શન આપ્‍યા અને સુખાભાઇએ સત્‍ય સનાતન ધર્મની દીક્ષા લીધી.
સંવત ૧૯૭૬ ના કારતક સુદ બીજના દિવસે સદ્‍ગુરુશ્રી વલ્લભરામ ભરૂચ પાસેના દેત્રાણ ગામે શ્રી હિરાભાઇ પટેલના ઘરે જવા નિક્‍ળ્‍યા ત્યારે રસ્‍તામાં ઝાડની છાયા નીચે વિસામો લઇ નાસ્‍તો કરવા બેઠા ત્યારે સદ્‍ગુરુશ્રી વલ્લભરામના ધર્મપત્‍નિ પૂજય ડાહીદેવી લીલું મરચું સાથે લેવાનું ભૂલી ગયા હતા. શિષ્યોએ તે મેળવવા કોશિષ કરી પણ ના મળ્‍યું ત્યારે પ્રેરક પ્રભુ શ્રી નારાયણદાદાએ અંતરિક્ષમાંથી મોટા કદનું લીલુ મરચું સદ્‍ગુરુશ્રી વલ્લભરામની પાસે જ નાંખ્‍યું ત્યારે સદ્‍ગુરુશ્રી વલ્લભરામે શિષ્યોને કહ્યું કે, ‘ભા ! જુઓ ! પ્રેરકે મરચું મોક્‍લી આપ્‍યું.’
શ્રી ડાહ્યાભાઇ રણછોડભાઇ પટેલ શ્રીકૃષ્‍ણ પ્રભુના અનન્‍ય ભક્‍ત હતા. શ્રી ડાહ્યાભાઇને શ્રી કૃષ્‍ણ પ્રભુ દર્શન આપે છે. ત્યારે તેઓ તેમના આત્‍મ કલ્યાણનું પૂછે છે ત્યારે શ્રી કૃષ્‍ણ પ્રભુ તેમને સદ્‍ગુરુશ્રી વલ્લભરામ - સદ્‍ગુરુશ્રી રમુજીલાલના તત્વદર્શી પુરુષોના દર્શન કરાવીને તેમની પાસેથી ધર્મદીક્ષા લઇને આત્‍મકલ્યાણ કરવાનું કહે છે. અને જયારે નવસારીમાં ગુરુપૂર્ણિમાને દિવસે સદ્‍ગુરુશ્રી આવે છે ત્યારે ધર્મદીક્ષા લઇને તેમના આત્‍માનું કલ્યાણ કરી જાય છે.
પૂર્ણાનંદ નામના વેદાંતના આચાર્ય અમદાવાદમાં પધાર્યા હતા. એમને એમના જ્ઞાનનું અહમ હતું. સદ્‍ગુરુશ્રી વલ્લભરામે એમને જમવા માટે પોતાને ઘરે બોલાવ્‍યા. સદ્‍ગુરુશ્રી વલ્લભરામ અને વેદાંતાચાર્ય સાથે વેદ - યોગ સંબધી સત્‍સંગ થયો. આ સત્‍સંગ દરમ્‍યાન સદ્‍ગુરુશ્રી વલ્લભરામે પ્રણવ ૐકારનું જ્ઞાન એમને આપ્‍યું. ત્યારે પુર્ણાનંદજી આનંદમાં આવી ગયા અને સદ્‍ગુરુશ્રી વલ્લભરામ પાસે ધર્મદીક્ષા લીધી અને આત્‍માનું કલ્યાણ કર્યું.

સંત શ્રી વલ્લભરામની અંતિમ વિદાય : મોક્ષગમન

સંવત ૧૯૮૧ ના ચૈત્ર સુદ બારસથી ચૈત્ર વદ બીજ દરમ્‍યાનના સત્‍સંગમાં ચૈત્ર વદી બીજને દિવસે સદ્‍ગુરુશ્રી વલ્લભરામે સૌ શિષ્યોને વિદાય આપતા કહ્યું કે ‘જે મોક્ષમાર્ગી ધર્મબંધુઓને પોત પોતાને ઘરે જવું હોય તે જાય અને જેમને અહીં રહેવું હોય તે ભલે રહે’ સદ્‍ગુરુશ્રી વલ્લભરામ દરેક ઉત્‍સવે વિદાય વેળાએ કહેતા કે ‘આજે બધા રહો અને કાલે જજો.’ જાણે ફરીથી કયારેય ન મળવાના હોય તેમ સૌને વિદાય આપતાં કહ્યું ‘વદાય સૌને’ માત્ર સદ્‍ગુરુશ્રી વલ્લભરામની પાસે ત્રણ જ ધર્મબંધુઓ ગડતવાળા ભાણાભાઇ નારણભાઇ, દેત્રાલવાળા હીરાભાઇ અને તેમનાં પત્‍ની રાઇદેવી સદ્‍ગુરુશ્રી વલ્લભરામના મોક્ષગમન સુધી રહ્યા. સદ્‍ગુરુશ્રી વલ્લભરામે સૌ શિષ્યોને ગર્ભિત સ્‍વરે કહ્યું કે ‘હવે મારે કોઇ કામ કરવાનું બાકી રહેતું નથી મારે જે કંઈ કાર્ય કરવાનું હતું તે કેવળ નારાયણની અને પરમાત્‍માની કૃપાથી પૂરું કર્યું છે અને હવે બાકીનું કાર્ય રમુજીભાઇ કરશે.’ ચૈત્રવદ ત્રીજને દિવસે સદ્‍ગુરુશ્રી વલ્લભરામનું શરીર એકદમ નબળું પડી ગયું. છતાં તેઓએ ઘ્‍યાન અને સમાધિ અવસ્‍થામાં પોતાની જાતને રોકી રાખી હતી. ચૈત્ર વદ નોમના દિવસે સવારે ૯.૦૦ કલાકે સદ્‍ગુરુશ્રી વલ્લભરામે પોતાના પુત્ર રમુજીલાલને કહ્યું કે ‘ભા ! તમે મને પગે લાગો, સદ્‍ગુરુશ્રીએ છેલ્લો અને અંતિમ આશીર્વાદ આપ્‍યો કે, મારા અંતરનું તમામ જ્ઞાન અને શક્‍તિઓ તમે પ્રેમ અને વિવેક્‍પૂર્વક પ્રાપ્ત કરજો’

ચૈત્ર વદ દશમના દિવસે સદ્‍ગુરુશ્રી વલ્લભરામ નિર્વિકલ્પ સમાધિમાં જ રહ્યા હતા. સદ્‍ગુરુશ્રી વલ્લભરામે હીરાદેવીને પૂછયું કે ‘મંદિરમાં કોણ કોણ હાજર છે ? જે ભક્‍તો હાજર હતા તેમને સદ્‍ગુરુશ્રી વલ્લભરામે બોલાવ્‍યા અને કહ્યું કે ભા ! મેં જે મોક્ષધર્મ બતાવ્‍યો છે તે સત્‍ય સનાતન છે અને એના આદ્યસ્‍થાપક શ્રી વિશ્વેશ્વર નારાયણ છે. આ દિવ્‍ય ધર્મને તમારા આત્‍માથી અધિક ગણી કેવળ શ્રઘ્‍ધા અને પ્રેમથી પાળજો અને તેનો પ્રસાદને પ્રચાર કેવળ નમ્ર અને વિનયી બની કરજો. વળી મોક્ષ ધર્મ સમજાવતાં સાદીને સરળ ભાષાનો ઉપયોગ કરજો કે જેથી દરેક મનુષ્‍ય સમજી શકે અને તેમને મુસીબત ન પડે.’

ચૈત્ર વદ અગિયારસના દિવસે સવારે ૭.૦૦ કલાકે સદ્‍ગુરુશ્રી વલ્લભરામ ભાવ સમાધિમાં હતા. આ વખતે પણ તેમની સેવામાં શ્રી ભાણાભાઇ નારણભાઇ હતા. સાંજે ૫.૦૦ કલાકે સદ્‍ગુરુશ્રી વલ્લભરામ તુર્યાવસ્‍થામાં નિમગ્ન થઇ પરમાત્‍મા સાથે એકતાર બની રહ્યા હતા; આ વખતે તેમને એક્દંડો શ્વાસ ચાલતો ભાણાભાઇએ જોયો. તેમણે મહારાજશ્રી રમુજીલાલને બોલાવ્‍યા. રમુજીલાલે તે સ્‍થિતિ જોઇ કહ્યું કે ‘હવે સદ્‍ગુરુશ્રી આ સ્‍થિતિમાંથી પાછા ફરશે નહિ, તેમની આ અંતિમ તુર્યાવસ્‍થા છે. કેમકે તેમણે શિષ્યો તથા ઘરના સૌને જે કંઈ કહેવાનું હતું તે કહી દીધું છે અને દેહબંધન તજી દેવાનાં બધાં ચિન્‍હો દેખાય છે.’

ચૈત્ર વદ બારસના શુભ દિવસે મળસ્‍ક્‍ે લગભગ ૪.૦૦ કલાકે સદ્‍ગુરુશ્રી વલ્લભરામે ૐકારેશ્વરના મંદિરેથી રાયપુરવાળા મકાનમાં પખાલીપોળ લઇ જવામાં આવ્‍યા. સવારના ૬.૪૫ કલાકે એક આશ્ચર્યકારક ઘટના બની. સદ્‍ગુરુશ્રી વલ્લભરામની જમણી આંખની કીકી સુદર્શન ચક્રની જેમ પલકારા મારવા લાગી. પ્રથમ કીકી ધીમી ગતિથી ફરતી દેખાઇ પણ બે મિનિટ બાદ ફરવામાં બહુ જ ઝડપ પકડી. આમ દોઢ કલાક ઉપરાંત જમણી આંખની કીકી ફરી. (જે આત્‍માનું મોક્ષ પામવા ઉપરાંતનું જેટલું વધારે પૂણ્‍યબળ હોય તેટલા જમણી આંખની કીકીના સુદર્શન ચક્રની જેમ પલકારા વિશેષ થાય. ત્રણ પલકારે એક આત્‍માનો મોક્ષ કરવાની શક્‍તિનું પૂણ્‍ય ગણાતુ હોઇ આંખના પલકારાથી મરનારના પૂણ્‍યની શક્‍તિ જાણી શકાય. આ પરથી સદ્‍ગુરુશ્રી વલ્લભરામના અથાગ પૂણ્‍યબળ - મોક્ષ કરવાની શક્‍તિ જાણી શકાય છે.) સદ્‍ગુરુશ્રીના મુખ-કમળ ઉપર અપૂર્વ દિવ્‍ય જયોત પ્રસરી રહી હતી અને મુખાકૃતિ અતિ હર્ષથી ભરેલી દૈદિપ્‍યમાન દેખાતી હતી. હજારો લોકોની આઘ્‍યાત્‍મિક ભૂખ ભાંગનાર - મન - આત્‍માને શાન્‍તિ આપનાર આ દિવ્‍ય, અમર અને મહાવિભૂતિ આત્‍માએ ચૈત્ર વદ બારસના દિવસે સવારે ૮.૩૦ કલાકે આત્‍માનંદમાં, ઘણાં પુનિત ચિન્‍હો સહિત સ્‍વદેહનો ત્‍યાગ કરી પ્રેમ પૂર્વક પરમજયોર્તિબિદું પરમશિવ પરમાત્‍માના પરમપદમાં મોક્ષગમન થયાં !!! સદ્‍ગુરુશ્રી વલ્લભરામની અંતિમ વિદાય ક્ષણે મહારાજશ્રી રમુજીલાલના ઉદગારો !!!

“પરમ પૂજય પિતાશ્રી પર્મપદે પળજો પ્રીતે રે;
પ્રેમે પૂર્ણ પાડયાં ધારેલાં ધર્મકાજ, જીવો ઉઘ્‍ધારી શિરતાજ;
સદ્‍ગુરુ વલ્લભરામ મહારાજ...”

સમય રેખા

સવંત ૧૯૦૧, શ્રાવણ, કૃષ્‍ણપક્ષ અષ્ટમી, પરમપદનિવાસી જ્ઞાનદાતા સદ્‍ગુરુશ્રી વલ્લભરામનો જન્‍મ રાત્રિના બાર કલાકે.

માતા - પરમ પૂજય હરકોરદેવી મા..

પિતાશ્રી - પરમ પૂજય શ્રી સૂર્યરામ (ત્રવાડી મેવાડા બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્‍મ)

સવંત ૧૯૧૫ - શ્રાવણ સુદ અગિયારસ સખત માંદગી લાકડાની પાટ ઉપર તુર્યાવસ્‍થામાં.


સવંત ૧૯૧૫ - ૪૫માં દિવસે તેઓશ્રીની તીવ્ર બ્રહ્મજીજ્ઞાસા પાર પડી. પંદર વર્ષની વયમાં જ પરમાત્‍મા, નારાયણ - પ્રણવ ૐકારની દિવ્‍ય અનુભૂતિ, સુતેલા મોક્ષધર્મનો ઉદય કરવા નારાયણ ભગવાનની આજ્ઞા. પૂર્વે બે મહાન અવતારો - મહર્ષિ વેદવ્‍યાસ, વલ્લભધોળાના અવતારોની સ્‍મૃતિ.
સવંત ૧૯૧૬ માગસર સુદ પાંચમના દિવસે પદ્યમાં “મહાભારત” અજોડ ગ્રંથ પૂર્ણ.
સવંત ૧૯૧૭ શ્રાવણ સુદ અગિયારસ “મહાભારત” ની કથા ગાગર ઉપર વગાડીને કરવાનો આરંભ પિતાશ્રીની આજ્ઞાનુસાર ખાલીપો પુરવા કથાનો આરંભ.
સંક્ષેપમાં સદ્‍ગુરુશ્રી વલ્લભરામે ૧૮ વર્ષની ઉંમરથી કથા કરવાનું ભરૂચ થી શરૂ ર્ક્‍યુ હતું. ૨૩ વર્ષ સુધી કથાકાર તરીકે જ્ઞાન - વિજ્ઞાન પ્રસારિત કર્યા. (૪૧ વર્ષની ઉંમરે મહાભારતની કથા કહેવી બંધ કરી)
સંવત ૧૯૨૦ માગસર સુદ - ૧૧ ના દિવસે ઇશ્વરી અવતાર શ્રી કૃષ્‍ણપ્રભુએ સદ્‍ગુરુશ્રી વલ્લભરામને પ્રણવ ૐકારની ત્રિપુટીનો સમાવેશ “મોક્ષમાર્ગી શ્રીમદ્ ભગવદ્ ગીતામાં” કરવા આદેશ આપ્‍યો.
સંવત ૧૯૩૭ - ભરૂચમાં જ્ઞાનપિપાસુ ધર્મપ્રેમી ધર્મ - બ્રહ્મજીજ્ઞાસુ શ્રી નરોત્તમભાઇ બેચરદાસને અર્ધ લઘુમંત્રનો ઉપદેશ.
એક વર્ષ બાદ સંવત ૧૯૩૮માં ફાગણવદ સાતમ શ્રી નરોત્તમભાઇને “લઘુમંત્ર” અને “મહામંત્ર” નો ઉપદેશ.
સંવત ૧૯૩૮ ફાગણ વદ આઠમ કૃતિકા નક્ષત્રમાં મોક્ષમંડળની સ્‍થાપના ભરૂચ શહેરથી કરી.
વ્‍યાખ્‍યાનકાર તરીકેનો આરંભ.
૩૮ વર્ષની ઉંમરે સનાતન ધર્મની ગુરુગાદીની સ્‍થાપના કરી આચાર્યપદ સ્‍વીકાર.
સંવત ૧૯૩૯ - “વલ્લભ નીતિ” ગ્રંથની રચના
સંવત ૧૯૪૨ - “વલ્લભ પદમાળા” ગ્રંથની રચના
સવંત ૧૯૪૪ માં “ભાવાર્થ પ્રકાશ” ગ્રંથની રચના.
સંવત ૧૯૪૪ - “વલ્લભ કૃત કાવ્‍ય ભાગ - ૧ - ૨” ગ્રંથની રચના
સંવત ૧૯૪૬ પુરણદાસ સંજોગી બાવા શિષ્‍ય સાથે સત્‍સંગ પૂર્ણ થયા બાદ આરતીમાં પૈસા ઓછા આવવા તે અંગે સંવાદ અને રાજમહેલમાંથી પૈસાથી ભરેલ થાળ પુરણદાસને ઉદારતાથી અર્પણ કરતા સદ્‍ગુરુશ્રી વલ્લભરામ.
તેમના પુત્ર શ્રી નટવરભાઇ મોક્ષગમન - ગિરનાર પર્વત પર ૧૧ માસનો મહાપ્રયોગ.
સંવત ૧૯૫૯ ચૈત્ર સુદ પુનમ “ૐકારેશ્વર મંદિર” શ્રી વલ્લભવાડી, રામબાગ, મણીનગર, અમદાવાદમાં નિર્માણ. ૐકારની મૂર્તિ પંચધાતુની ૧૫” ૨૩” ની વૈદિક વિધિ સહિત - સિઘ્‍ધિયંત્રની પૂજા અર્ચન મોક્ષધર્મના મુમુક્ષુજનોને અર્પણ.
સવંત ૧૯૬૨ ચૈત્ર સુદ પૂનમ પંચધાતુની મૂર્તિને ખસેડી આરસ પહાણની મૂર્તિ ૨૪” પહોળી ૨૩” ઉંચાઇની વૈદિક વિધિ સહિત અર્પણ. (મોક્ષાર્પણ) પ્રથમવાર ધર્મધજા ૐકારેશ્વર મંદિર ઉપર ચઢાવવામાં આવી. (નિરંતર ધર્મધજા વિધિપૂર્વક ચઢાવવામાં આવે છે)
સવંત ૧૯૬૨ પોષ વદ પાંચમ પૂર્ણાનંદ નામના વેદાંતના આચાર્યને જ્ઞાન - પ્રણવ ૐકારનું જ્ઞાન - વિજ્ઞાન સમજાવી અહંકાર ઉતારીને ધર્મ દીક્ષા આપી.
સંવત ૧૯૬૩ - “બ્રહ્મવાદ ખંડન” ગ્રંથની રચના.
સંવત ૧૯૬૫ અષાઢ સુદ પુનમ નવસારી વાસી શ્રી કલ્યાણભાઇ ભુલાભાઇએ સદ્‍ગુરુશ્રી વલ્લભરામ સાથે મોક્ષધર્મ સંબધી સંવાદ - પ્રશ્‍નોત્તરી.
સવંત ૧૯૬૬ માં “વિજ્ઞાન વલ્લભ” યાને “વલ્લભ પ્રણવ વિજ્ઞાન” ગ્રંથની રચના.
સંવત ૧૯૬૭ વૈશાખ સુદ ત્રીજ વિષ્‍ણુ, શિવ અને શક્‍તિના સદ્‍ગુરુશ્રી વલ્લભરામને દર્શન. અવળી ભક્‍તિ દૂર કરવા આદેશ. ઉલ્લેખ... - વલ્લભ વિષ્ટી ભાગ - ૧, પદ - ૯.
સંવત ૧૯૬૭ - “વિશ્વકર્મા પુરાણ” ગ્રંથની રચના
“બ્રાહ્મણ શુદ્રનો સંવાદ”,”ત્‍યાગ તારણ”,”વય વિચાર”, “ધર્મચાનક”,”જ્ઞાન ગોષ્ઠી”,”શિવલિંગ શંકા”,”શિવલિંગ શંકાનું સમાધાન”,”નવરાત્રિમાં ગવાતા ગરબા અને અકળલીલાની લાવણી” ગ્રંથોનું સર્જન.
સંવત ૧૯૭૦ - “શંકા સમાધાન તથા શ્રી ન્‍યાય વલ્લભ” ગ્રંથની રચના
સવંત ૧૯૭૧માં “વલ્લભ પ્રણવ વિજ્ઞાન” નો ગ્રંથ બહાર પાડયો.
“મોક્ષમાર્ગી શ્રીમદ્ ભગવદ્ ગીતા” ની રચના.
સવંત ૧૯૭૪ - જેઠ સુદ પૂનમ “ચેતવણી” ધર્મપત્રિકાનો આરંભ; સવંત ૨૦૦૦ - ફાગણ શુક્‍લ પક્ષ પુનમ સુધી ચાલ્‍યું. સવંત ૨૦૦૩ શુક્‍લ પંચમી “જાગૃતિ” ધર્મપત્રિકાનો આરંભ.
સવંત ૧૯૭૬ કારતક સુદ બીજ સદ્‍ગુરુશ્રી વલ્લભરામ દેત્રાલ ગામે શ્રી હિરાભાઇ પટેલના ઘરે બનેલ પ્રસંગ - નાસ્‍તામાં પરમ પૂજય ડાહીબા મરચું ભુલી ગયા હતા. સદ્‍ગુરુશ્રી વલ્લભરામને મરચું ખાવાની ટેવ. સદ્‍ગુરુશ્રી વલ્લભરામ નિરાશ થયા. અને કહ્યું કે, ભા જેવી પ્રેરકની (નારાયણની) ઇચ્‍છા આટલું કહેતાની સાથે જ અંતરિક્ષમાંથી મોટા કદનું લીલું મરચું તેઓશ્રીની પાસે જ પડયું.
સંવત ૧૯૭૫ માગશર વદ ચૌદશ - વલવાડા - લાખણપોર સદ્‍ગુરુશ્રી વલ્લભરામે સુખાભાઇને દર્શન આપી સનાતન ધર્મની દીક્ષા.
સંવત ૧૯૭૬ - “વચન વલ્લભ” ગ્રંથની રચના
સંવત ૧૯૭૭ - “વલ્લભ વિષ્ટી ભાગ - ૧” પદ્યમાં રચના
સવંત ૧૯૭૭ - સદ્‍ગુરુશ્રી વલ્લભરામે અષાઢ માસમાં દેહ છોડવાની તૈયારી.
પદ
જગત નથી જોવાતું રે, વિકારવાળું જગત નથી રે જોવાતું,
સર્વની કુમતિ નાંખો કાઢી, કાં વલ્લભને લો ઉપાડી
એકાંતમાં તો રોવાતું રે, વિકારવાળું જગત નથી રે જોવાતું...

સવંત ૧૯૭૭ માં પોતાની ઇચ્‍છા થશે ત્યારે તેઓશ્રી આ દેહ છોડી ચાલ્‍યા જશે માટે સર્વ બંધુઓ રજા આપો.
સંવત ૧૯૭૮ કારતક માસમાં મંદિરનું બાંધકામ આરંભ.
સંવત ૧૯૭૮ ચૈત્ર સુદ પૂનમ - આરસ પહાણની નવી મૂર્તિ ૨૭” પહોળી ૪૨” ઉંચાઇના કદની વૈદિક વિધિ સહિત મોક્ષાર્પણ કરવામાં આવી. સદ્‍ગુરુશ્રી વલ્લભરામે આત્‍મિક ઘ્‍યાન દ્વારા જ્ઞાનયોગ શક્‍તિ મૂર્તિમાં ઉતારી અખંડાનંદમાં સરી પડયા. પ્રણવાધિવક્‍તા મોક્ષમાર્ગાચાર્ય સદ્‍ગુરુશ્રી રમુજીલાલે પણ આત્‍મિક ઘ્‍યાન દ્વારા જ્ઞાન યોગ શક્‍તિ મૂર્તિમાં ઉતારી છે.
સંવત ૧૯૭૮ માગસર સુદ ત્રીજ અંબામાતાએ સદ્‍ગુરુશ્રી વલ્લભરામને દર્શન આપીને વામમાર્ગી ધર્મ - અંબાજીમાં ભદ્રકાળી મંદિર વગેરેમાં પશુનો વધ - બલિદાન અટકાવ્‍યા.
સંવત ૧૯૭૯ મહા સુદ દશમ - જગતગુરૂ માઘ્‍વાતીર્થ સાથે જગતગુરૂ સંબંધમાં વાર્તાલાપ. સદ્‍ગુરુશ્રી વલ્લભરામે એમને સત્‍યનો માર્ગ બતાવ્‍યો.
સવંત ૧૯૮૦ ચૈત્ર સુદમાં પરમ પૂજય સદ્‍ગુરુશ્રી વલ્લભરામને સખત તાવ - દરેક શિષ્યો સદ્‍ગુરુશ્રી વલ્લભરામને પગે લાગ્‍યા. સદ્‍ગુરુશ્રી રમુજીલાલ પગે લાગે છે ત્યારે સદ્‍ગુરુશ્રી વલ્લભરામે હાથ ઉઠાવી લીધો. આશીર્વાદ ન આપ્‍યો. સદ્‍ગુરુશ્રી વલ્લભરામ આરામ - હવાફેર માટે દવિયેર ગયા. આશીર્વાદ મેળવવા પરમ પૂજય સદ્‍ગુરુશ્રી રમુજીલાલે સખત પરિશ્રમ કરીને “સૂક્ષ્મવા સંહિતા” નામના પુસ્‍તકમાં પરમાત્‍મા - પરમેશ્વરની પરમગતિના ગૂઢ રહસ્‍યોનું વર્ણન સદ્‍ગુરુશ્રી વલ્લભરામે તે વાંચી સંભાળવા કહ્યું. પરમ પૂજય સદ્‍ગુરુશ્રી રમુજીલાલે પરમાત્‍માની પરમગતિનું વર્ણન ર્ક્‍યુ. સદ્‍ગુરુશ્રી વલ્લભરામે આત્‍માનંદ થયો અને આશીર્વાદ અંતરાત્‍માથી આપ્‍યા.
સંવત ૧૯૮૧ વૈશાખ શુક્‍લ પક્ષ પૂર્ણિમા ચેતવણી અંક નં. ૮૬ સદ્‍ગુરુશ્રી વલ્લભરામે અગાઉથી ચેતવણી આપતાં કહ્યું હતું કે “મારા દેહ ત્‍યાગ સમય પહેલા ભાવ સમાધિ અને પંદર કલાક તુર્યાવસ્‍થા પ્રાપ્ત થશે”.
સંવત ૧૯૮૧ ચૈત્રવદ અગિયારસ પછી સદ્‍ગુરુશ્રી વલ્લભરામે દેહના બંધન છોડી દેવાની શિષ્યોને જાણ કરી.
સંવત ૧૯૮૧ ચૈત્ર શુક્‍લપક્ષ પુર્ણિમાના ચેતવણી નામની પત્રિકા દ્વારા સદ્‍ગુરુશ્રી વલ્લભરામના અંતિમ દર્શનની જાણ.
સવંત ૧૯૮૧ ચૈત્ર સુદ પૂર્ણિમા ગુરુવાર મણીનગરમાં ૐકારેશ્વર મંદિર મોક્ષમાર્ગીનો મેળાવડો.
સંવત ૧૯૮૧ ચૈત્ર સુદ બારસથી સત્‍સંગ સમાગમ આરંભ (આખરી સત્‍સંગ)
ચૈત્ર વદ ત્રીજ - સદ્‍ગુરુશ્રીનું શરીર એકદમ ભાંગી પડયું.
ચૈત્ર વદ નોમ સવારે ૯.૦૦ કલાકે સદ્‍ગુરુશ્રી વલ્લભરામે પરમ પૂજય સદ્‍ગુરુશ્રી રમુજીલાલ ને કહ્યું કે “ભા તમે મને પગે લાગો” ત્યારે સદ્‍ગુરુશ્રીએ અંતિમ આશીર્વાદ આપ્‍યો કે “મારા અંતરનું તમામ જ્ઞાન અને શક્‍તિઓ તમે પ્રેમને વિવેક્‍પૂર્વક પ્રાપ્ત કરજો”
ચૈત્ર વદ દશમ - સદ્‍ગુરુશ્રી નિર્વિકલ્પ સમાધિમાં સરી પડયા.
ચૈત્ર વદ અગિયારસના દિવસે સવારે ૭.૩૦ કલાકે સદ્‍ગુરુશ્રી ભાવ સમાધિમાં સરી પડયા.
ચૈત્ર વદ બારસના શુભ દિવસે મળસ્‍ક્‍ે લગભગ ૪.૦૦ કલાકે સદ્‍ગુરુશ્રીને ૐકારેશ્વરના મંદિરેથી રાયપુરવાળા મકાનમાં લઇ જવામાં આવ્‍યા.
સવારના ૬.૪૫ કલાકે એક આશ્ચર્યકારક ઘટના - સદ્‍ગુરુશ્રીની જમણી આંખની કીકી સુદર્શનચક્રની જેમ પલકારા મારવા લાગી. દોઢ કલાક સુધી. ત્રણ પલકારે એક આત્‍માનો મોક્ષ કરવાની શક્‍તિનું પૂણ્‍ય ગણાય છે.
સવારે ૮.૩૦ કલાકે ઘણા આનંદપૂર્વક - પુનિત ચિન્‍હો સહિત સ્‍વદેહનો ત્‍યાગ કરી, પ્રેમ પૂર્વક મોક્ષગમન - પરમપદને સ્‍વીકારી લીધું.
સપ્તઋષિ દૂધેશ્વર અંતિમ દર્શન. પરમ પૂજય સદ્‍ગુરુશ્રી રમુજીલાલે સ્‍તુતિમાં વર્ણન ર્ક્‍યુ.
સદ્‍ગુરુશ્રીના અવસાનનું પદ
(કુંતા અભિમન્‍યુને બાંધે અમર રાખડી - રાગ)
પરમ પૂજય પિતાશ્રી પર્મપદે પળજો પ્રીતે રે.
પ્રેમે પૂર્ણ પાડયાં ધારેલાં ધર્મકાજ, જીવો ઉઘ્‍ધારી શિરતાજ, સદ્‍ગુરુ વલ્લભ મહારાજ.

મોક્ષગમન થયા ત્યારે પોતાના આત્‍મિક ધર્મબંધુ શ્રી મોતીરામ વિઠલદાસ ભાવસારને સૂક્ષ્મદેહે દર્શન. સંવત ૧૯૮૩ - “વલ્લભ વિષ્ટી ભાગ - ૨” ગ્રંથની રચના
સંવત ૧૯૯૪ શ્રી ડાહ્યાભાઇ રણછોડભાઇ પટેલને શ્રીકૃષ્‍ણના દર્શન - પોતાના આત્‍મ કલ્યાણની માંગણી - શ્રીકૃષ્‍ણ પ્રભુએ સદ્‍ગુરુશ્રી વલ્લભરામનાં દર્શન કરાવીને એમની પાસેથી ધર્મ દીક્ષા લેવા માટે પ્રેરણા કરી. ડાહ્યાભાઇની આત્‍મ કલ્યાણની ઇચ્‍છા પાર પડી.
સંવત ૧૯૯૮ - “વાણી વલ્લભ” ગ્રંથની રચના
સંવત ૧૯૯૮ - “વલ્લભ નીતિવિજ્ઞાન” ગ્રંથની રચના
સંવત ૨૦૨૦ - “વલ્લભ વિષ્ટી ભાગ - ૪” ગ્રંથની રચના
સંવત ૨૦૨૧ વૈશાખ સુદ પૂનમ ગુરુવારના શુભ દિને શ્રી આદ્યશક્‍તિ સ્‍વરૂપ યાને મોક્ષસ્‍વરૂપ સુમિત્રાબાની અંતરાત્‍માની મહેચ્‍છાથી સદ્‍ગુરુશ્રી વલ્લભરામ અને સદ્‍ગુરુશ્રી રમુજીલાલની પ્રતિમાઓ વૈદિક વિધિ સહિત પૂજન અર્ચન કરી મોક્ષેચ્‍છુઓને મોક્ષાર્પણ કરીને પરમ પૂજય બાનું હૃદય આત્‍માનંદથી ઉભરાઇ ઉઠયું.

સંત વલ્લભ આદેશ, ધર્મબોધ , સદ્‍ગુરુશ્રી નું ફરમાન
સંત વલ્લભ આદેશ
 • જીવનનું તત્વ ધર્મ છે અને ધર્મનું લક્ષ્ય મોક્ષ છે.
 • સંસાર - આસક્‍તિ બંધન છે અને અનાસક્‍તિ મુક્‍તિ છે.
 • સદવિચાર, વાણી ને વર્તનની એકતા રાખો.
 • સંયમમાં જ જીવનનું ખરું સૌંદર્ય સમાયેલું છે.
 • પ્રેમ, શ્રઘ્‍ધા અને ભાવના જ પરમાત્‍માનુભૂતિ કરાવે છે.
 • જીવનમાં યોગ, ભક્‍તિ અને જ્ઞાન હોવાં જ જોઇએ.
 • સ્‍વને જાણવું તે જ મોક્ષનું પ્રથમ સોપાન છે.
 • સુખ, શાંતિ અને આનંદનું મૂળ આત્‍મચેતનામાં છે.
 • સ્‍વાત્‍મા, સ્‍વાત્‍મચેતના અને પરમાત્‍માને અનુભવો.
સંત વલ્લભ ધર્મબોધ
 • માનવ અવતાર એક આઘ્‍યાત્‍મિક દ્વાર છે.
 • બ્રહ્મપ્રાપ્તિના માર્ગનું દ્વાર બ્રહ્મચર્ય છે.
 • પ્રભુ સમક્ષ ખુલ્લા થવાપણું એટલે સમર્પણ.
 • જ્ઞાન, યોગ, ભક્‍તિનું રહસ્‍ય આત્‍મસમર્પણ છે.
 • પરમાત્‍મપ્રાપ્તિનું મૂળ આત્‍મસમર્પણ છે.
 • સદબુધ્ધિ અને વિવેક આત્‍માને આત્‍મતત્વમાંથી જ મળે છે.
 • સર્વસ્‍વ પ્રભુમાં અર્પણ કરી દેવું તે શરણાગતિ છે.
 • સર્વ બ્રહ્માપર્ણ કરી દેવું એ જ ધર્મનું રહસ્‍ય છે.
 • ગુરુને ડુબાડનાર કે તારનાર શિષ્યો જ છે.
સદ્‍ગુરુશ્રી નું ફરમાન
 • કહેજો તમારા મોક્ષમાર્ગીને, અંધ બની મોક્ષપંથ ભૂલે ના; જે ગુરુએ આત્‍માને દીપાવ્‍યા, તેને લજવવા ઉપદેશ (પ્રતિજ્ઞા) ભૂલે ના...
 • કોઇ મોક્ષમાર્ગથી ના ચળજો, મંત્રોપદેશનું રટણ કરજો...
 • અમારો આશીર્વાદ, ઓ ધર્મબંધુ, અમારો આશીર્વાદ...
 • છેવટના નમસ્કાર, ઓ બંધુ મારા, છેવટના નમસ્કાર, 'વ્‍યાસ' દાસ છેવટમાં ક્‍હું છું કે, કરો સહુ સહુનો ઉઘ્‍ધાર...